
છોકરા-છોકરીઓ માટે અલગ શૌચાલય રાખો.દરેક શાળામાં મફત સેનિટરી પેડ મળે : સુપ્રીમ કોર્ટનો આદેશ.કોર્ટે જણાવ્યું હતું કે માસિક સ્રાવની સ્વચ્છતાનો અધિકાર એ બંધારણ દ્વારા બાંયધરીકૃત જીવનનો મૂળભૂત અધિકાર છે.સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે બધી શાળાઓ છોકરીઓને મફત સેનિટરી પૂરા પાડે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શાળાઓમાં છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શૌચાલય સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે બધી શાળાઓને દિવ્યાંગો માટે અનુકૂળ શૌચાલય પૂરા પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે.
કોર્ટે જણાવ્યું હતું કે માસિક સ્રાવની સ્વચ્છતાનો અધિકાર એ બંધારણ દ્વારા બાંયધરીકૃત જીવનનો મૂળભૂત અધિકાર છે. કોર્ટે ચેતવણી આપી હતી કે જાે ખાનગી શાળાઓ છોકરીઓ અને છોકરાઓ માટે અલગ શૌચાલય અને સેનિટરી પેડ પૂરા પાડવામાં નિષ્ફળ જાય તો તેમની માન્યતા રદ કરવામાં આવશે.
ન્યાયાધીશ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બધી શાળાઓમાં છોકરીઓ અને છોકરાઓ માટે અલગ શૌચાલય સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
બધી શાળાઓ, ભલે તે સરકાર દ્વારા સંચાલિત હોય કે નિયંત્રિત દિવ્યાંગો માટે યોગ્ય શૌચાલય પૂરા પાડવા જ જાેઈએ. બેન્ચે એમ પણ કહ્યું હતું કે જાે સરકારો છોકરીઓને શૌચાલય અને મફત સેનિટરી પેડ પૂરા પાડવામાં નિષ્ફળ જાય તો તે તેમને જવાબદાર ઠેરવશે.
સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં ધોરણ ૬ થી ૧૨ સુધીની કિશોરીઓ માટે કેન્દ્ર સરકારની શાળામાં જતી છોકરીઓ માટે માસિક સ્રાવ સ્વચ્છતા નીતિ ના સમગ્ર ભારતમાં અમલીકરણની માંગ કરતી જયા ઠાકુર દ્વારા દાખલ કરાયેલી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટે ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણની કલમ ૨૧ હેઠળ, જે જીવનનો અધિકાર છે, તેમાં માસિક ધર્મ સાથે જાેડાયેલો સ્વાસ્થ્યનો અધિકાર પણ સામેલ છે. આ મહત્ત્વપૂર્ણ ટિપ્પણી સાથે કોર્ટે તેના આદેશમાં અન્ય ઘણી મહત્ત્વપૂર્ણ વાતો કહી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ચુકાદો માત્ર વ્યવસ્થા સાથે જાેડાયેલ લોકો માટે જ નથી, પણ વર્ગખંડો માટે પણ છે. જ્યાં છોકરીઓ મદદ માંગવામાં અચકાય છે. આ ચુકાદો એવા શિક્ષકો માટે પણ છે જે મદદ કરવા માંગે છે પણ સંસાધનોના અભાવે કરી શકતા નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ આદેશ એવા માતાપિતા માટે પણ છે જેમને તેમના મૌનની અસરનો ખ્યાલ નથી.




