
ઠંડીના કારણે ફ્લાવરિંગ બળવા લાગ્યું આંબામાં મોર મોડો આવતા કેસર કેરી ઉત્પાદન પર અસરની ભીતિ આ વર્ષે આંબાના વૃક્ષોમાં મોર મોડો આવતા બાગાયતી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકને દેશભરમાં કેસર કેરીના ગઢ તરીકે ઓળખવામાં આવે છે.
જાેકે, આ વર્ષે આંબાના વૃક્ષોમાં મોર મોડો આવતા બાગાયતી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. સામાન્ય રીતે જાન્યુઆરીના અંત સુધીમાં આંબામાં મોર આવી જાય છે, પરંતુ આ વર્ષે લગભગ ૩૦ દિવસનો વિલંબ નોંધાયો છે.
હાલ સમગ્ર પંથકમાં માત્ર ૩૦થી ૩૫ ટકા જેટલા આંબાના વૃક્ષોમાં જ મોર જાેવા મળી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હવામાનમાં અચાનક થયેલા ફેરફારો, લાંબા સમય સુધી રહેલી ઠંડી, પવનની દિશામાં ફેરફાર તેમજ તાપમાનમાં થયેલી વધઘટને કારણે આંબામાં મોર મોડો આવ્યો છે.
મોર મોડો આવવાથી આ વર્ષે કેસર કેરીના ઉત્પાદન પર વ્યાપક અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ બજારમાં કેસર કેરી મોડી આવવાની સંભાવના પણ વધી છે, જેના કારણે વેપારીઓ અને ખેડૂતો બંને ચિંતિત બન્યા છે.
ધાવા ગીર ગામના ખેડૂત ગિરધરભાઈએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદ અને અનિશ્ચિત હવામાનના કારણે આ વર્ષે આંબામાં મોર મોડો આવ્યો છે. હાલ જે મોર જાેવા મળે છે તે પણ માત્ર ૩૦થી ૩૫ ટકા જેટલો છે, જેથી આ વર્ષ બાગાયતી ખેડૂતો માટે નબળું જવાની આશંકા છે.
આ બાબતે ધાવા ગામના જશવંતભાઈએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ચારથી પાંચ દિવસથી પડી રહેલી કડક ઠંડીના કારણે ફ્લાવરિંગ બળવા લાગ્યું છે, જેના કારણે પૂરતું ઉત્પાદન મળવાની શક્યતા ઓછી છે.”
પૂરતું ઉત્પાદન ન મળવાની આશંકાને કારણે અનેક ખેડૂતો હવે આંબાના બગીચા કટીંગ કરીને અન્ય પાક તરફ વળવા મજબૂર બન્યા છે. આવી પરિસ્થિતિથી કેસર કેરીના ઉત્પાદન પર અસર થવાની સાથે બજારમાં કેરી મોડી આવવાની પણ પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




