
ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ આક્રમક સ્પીકરનું અપમાન થયું, કોંગ્રેસ આ પાપ માટે માફી માંગે : ભાજપ કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જાહેર માફીની માંગ કરી છે.
રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન લોકસભામાં ભારે વિવાદ સર્જાયો હતો. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન કથિત રીતે સંસદીય નિયમોની અવગણના કરતા ભાજપે તેમના પર ગૃહની મર્યાદા તોડવાનો અને લોકસભા અધ્યક્ષનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મામલે કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પાસે જાહેર માફીની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ ચીન સાથે જાેડાયેલા બિન-સૂચિબદ્ધ મુદ્દાને ઉઠાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને નિયમો હેઠળ બોલવાની કડક સલાહ આપી હતી. અધ્યક્ષે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જાે કોઈ સભ્ય તથ્યો અને સંસદીય નિયમો હેઠળ વાત નહીં કરે, તો તેમણે અન્ય વક્તાઓને તક આપવા માટે બાધ્ય થવું પડશે.
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ વિપક્ષી નેતા તરીકે બોલવાની તકનો દુરુપયોગ કર્યો છે. તેમણે એક એવા પુસ્તકનો ઉલ્લેખ કર્યો જેની પ્રમાણિકતા કે પ્રકાશનની કોઈ જાણકારી નથી. રિજિજુએ આકરા શબ્દોમાં કહ્યું કે, ‘સંસદ કોઈ વ્યક્તિની જાગીર નથી પણ નિયમોથી ચાલે છે. ચીન સીમા મુદ્દે કોંગ્રેસના વર્ષ ૧૯૫૯ અને ૧૯૬૨ના પાપો માટે રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જાેઈએ. શું કોઈ મોટા પરિવારમાં જન્મ લેવાથી કોઈ વ્યક્તિ સંસદ અને નિયમોથી ઉપર થઈ જાય છે?’
બીજી તરફ, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે સરકાર પર વળતો પ્રહાર કરતા કહ્યું કે ‘મોદી સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે રાહુલ ગાંધીને બોલતા રોકી રહી છે. પૂર્વ સેના પ્રમુખ જનરલ મનોજ નરવણેના પુસ્તકના પ્રકાશનને રોકવાના પ્રયાસો પણ આ જ ડરનો ભાગ હતો.’ વેણુગોપાલે આને ૨૧મી સદીનો ફાસીવાદ ગણાવ્યો હતો.
રાજ્યસભા સાંસદ અને આરજેડી નેતા મનોજ ઝાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ‘ગૃહ પોતાના જ બનાવેલા નિયમોથી દૂર જઈ રહ્યું હોય તેવું લાગે છે. શું જનરલ એમ.એમ. નરવણેની આત્મકથા ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની‘ ભવિષ્યમાં પ્રકાશિત થઈ શકશે?’
ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘લોકપ્રતિનિધિઓના અધિકારો છીનવાઈ રહ્યા છે અને પંડિત નેહરુના નામે વિપક્ષના અસ્તિત્વ પર સવાલો ઉઠાવવા તે સંસદીય ગરિમાની વિરુદ્ધ છે.’
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ રાહુલ ગાંધીના નિવેદન સામે વાંધો ઉઠાવતા કહ્યું કે, ‘કોઈ અપ્રકાશિત પુસ્તક કે સંસ્મરણોના હવાલા આપવા તે સંસદીય નિયમોની વિરુદ્ધ છે.’
ભાજપના સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે, ‘આઝાદી પછી પહેલીવાર કોઈ સાંસદને એક જ વાત પુનરાવર્તિત કરવા બદલ પાંચ વખત રોકવા પડ્યા છે.’ તેમણે રાહુલ ગાંધીના ભાષણને શરમજનક ગણાવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.




