
સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો હિન્દુ ધર્મમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કરવા પર અનામતનો લાભ નહીં મળે જે વ્યક્તિ હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવે છે, તે પોતાની મૂળ સામાજિક શ્રેણીના આધારે પછાત વર્ગો માટે નિર્ધારિત અનામતના લાભોનો દાવો કરી શકતો નથી ધર્મ પરિવર્તન કર્યા પછી પણ અનામતના લાભ ચાલુ રાખવા ઈચ્છતા લોકો માટે આ એક મોટો ફટકો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, ધર્મ પરિવર્તન થતાં જ અનામતનો લાભ સમાપ્ત થઈ જાય છે; ધર્માંતરણ બાદ આવી વ્યક્તિ અનામતના લાભોનો દાવો કરી શકતી નથી. ટૂંકમાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, હિન્દુ ધર્મમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કરવાથી કોઈ વ્યક્તિ અનામત મેળવવા માટે હકદાર બનતી નથી. આમ કરીને, અદાલતે મદ્રાસ હાઈકોર્ટના તે ર્નિણયને માન્ય રાખ્યો છે જેમાં તમિલનાડુ સરકારના આદેશને રદ કરવામાં આવ્યો હતો. આ સરકારી આદેશમાં જાેગવાઈ હતી કે, પછાત વર્ગો, અતિ પછાત વર્ગો, વિમુક્ત સમુદાયો અને અનુસૂચિત જાતિના લોકો ઇસ્લામ અપનાવે તો તેમને પછાત વર્ગના મુસ્લિમો તરીકે ગણી શકાય.
આ ચુકાદો સર્વોચ્ચ અદાલતની ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ શ્રી ચંદ્રશેખરની ખંડપીઠ દ્વારા આપવામાં આવ્યો છે. ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મ અપનાવે છે, તે ધર્માંતરણ પહેલાં જે સામાજિક રીતે પછાત શ્રેણીનો ભાગ હતી, તે શ્રેણી સાથે સંકળાયેલા કલ્યાણકારી લાભનો દાવો કરી શકતી નથી. સર્વોચ્ચ અદાલતે કહ્યું, “જે વ્યક્તિ હિન્દુ સામાજિક વ્યવસ્થા છોડીને બિન-હિન્દુ સામાજિક વ્યવસ્થામાં જાેડાય છે, તે માત્ર ધર્માંતરણ પહેલાંની સામાજિક પછાતપણાની સ્થિતિના આધારે બંધારણની કલમ ૧૬(૪) હેઠળ વિશેષ લાભોનો દાવો કરી શકતી નથી.
અગાઉની સામાજિક વ્યવસ્થામાં ભોગવેલું પછાતપણું આપોઆપ નવા ધર્મમાં સ્થાનાંતરિત થતું નથી કે જેથી તે નવા ધર્મમાં પછાત વર્ગનો દરજ્જાે અપાવી શકે.” બંધારણના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે વધુમાં નોંધ્યું કે, બંધારણ (અનુસૂચિત જાતિ) આદેશ, ૧૯૫૦ હેઠળ, જે વ્યક્તિઓ હિન્દુ, બૌદ્ધ કે શીખ નથી, તેમને અનુસૂચિત જાતિનો દરજ્જાે આપી શકાય નહીં. અદાલતે અવલોકન કર્યું કે, “બંધારણ (અનુસૂચિત જાતિ) આદેશના ફકરા ૩ મુજબ, જે વ્યક્તિ હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય કોઈ ધર્મનું પાલન કરે છે, તેને અનુસૂચિત જાતિના સભ્ય ગણી શકાય નહીં. પરિણામે, જાે કોઈ વ્યક્તિ આ આદેશમાં ઉલ્લેખ ન હોય તેવો ધર્મ અપનાવે છે, તો તે પોતાની અગાઉની જાતિ સાથે સંકળાયેલો અનુસૂચિત જાતિનો દરજ્જાે ગુમાવી બેસે છે. વધુમાં, તેઓ બંધારણની કલમ ૧૬(૪) હેઠળ પછાત વર્ગોને મળતા વિશેષ લાભોનો દાવો કરી શકતા નથી, કારણ કે આ લાભો અનુસૂચિત જાતિના સભ્ય હોવા પર આધારિત હોય છે.”
સર્વોચ્ચ અદાલતે ધર્મ પરિવર્તન બાદ અનામત લાભો મેળવવાના અધિકાર અંગે એક મહત્વપૂર્ણ અવલોકન કર્યું. અદાલતના મતે, હિન્દુ સામાજિક વ્યવસ્થામાં રહેલી સામાજિક પછાતપણું અન્ય કોઈ ધર્મની સામાજિક સંરચનામાં આપોઆપ સ્થાનાંતરિત થઈ જાય છે તેમ માની શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે મદ્રાસ હાઈકોર્ટના તે આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો, જેણે તમિલનાડુ સરકારના એક ર્નિણયને રદ કર્યો હતો.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર પહેલા કોઈ પછાત વર્ગ કે અનુસૂચિત જાતિ સાથે જાેડાયેલા હોવાના આધાર પર બીજા ધર્મમાં ગયા બાદ અનામતનો દાવો ન કરી શકાય. આ ર્નિણય હિંદુ સામાજિક વ્યવસ્થામાં જાતિ આધારિત સામાજિક પછાત અને બીજા ધર્મમાં પરિવર્તન બાદ અનામતના લાભ સાથે જાેડાયેલા મામલામાં આવ્યો છે.




