
કેન્દ્ર સરકારે ડોનાલ્ડ ટ્રમ્પને સંભળાવ્યું ભારત કોની પાસેથી ઓઇલ ખરીદશે તે કોઈ ત્રીજાે દેશ નક્કી નહીં કરે ભારત કોઈ પણ દેશના દબાણમાં આવ્યા વગર ઊર્જા જરૂરિયાતો અને દેશહિતને ધ્યાનમાં રાખીને ર્નિણય લેશે
રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવા પર ભારત સરકારે અત્યંત કડક અને સ્પષ્ટ શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે સાફ કરી દીધું છે કે ભારત કોઈ પણ દેશના દબાણમાં આવ્યા વગર પોતાની ઊર્જા જરૂરિયાતો અને દેશહિતને ધ્યાનમાં રાખીને જ ર્નિણય લેશે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત હવે રશિયાના બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે. જેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ૧૪૦ કરોડ ભારતીયોની ‘એનર્જી સિક્યોરિટી‘ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ભારતે સ્પષ્ટ કર્યું કે અમે ક્યાંથી તેલ ખરીદવું તે બજારની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ગતિશીલતાના આધારે નક્કી કરીશું. અમેરિકન પ્રમુખના નિવેદન બાદ ઊભા થયેલા સવાલોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પશ્ચિમી દેશોને આયનો બતાવતા કહ્યું કે, “સરકારે અગાઉ પણ અનેકવાર જાહેર કર્યું છે કે ભારતની પ્રાથમિકતા તેના નાગરિકોની સુરક્ષા છે. અમે તેલના સ્ત્રોતોમાં વિવિધતા લાવવાની રણનીતિ પર કામ કરીએ છીએ, પરંતુ આ તમામ ર્નિણયો ભારતની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને લેવામાં આવ્યા છે અને લેવામાં આવશે.”
ભારત સરકારે આડકતરી રીતે એવો સંદેશ આપ્યો છે કે રશિયા હોય કે વેનેઝુએલા, ભારત કોની સાથે વેપાર કરશે તે કોઈ ત્રીજાે દેશ નક્કી કરી શકે નહીં. રણધીર જયસ્વાલે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓ બદલાતી રહે છે, પરંતુ અમારી વ્યૂહરચનાના મૂળમાં ભારતની ઊર્જા સુરક્ષા જ રહેશે. આ નિવેદન ટ્રમ્પ પ્રશાસન માટે એક સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે કે ભારત પોતાની વિદેશ નીતિ અને વેપાર નીતિમાં કોઈ પણ પ્રકારની દખલગીરી સહન કરશે નહીં.




