
ટ્રમ્પની ગુપ્ત ફ્લાઇટ બદલાઈ ઈરાનની ધમકી વચ્ચે તુર્કીથી પરત ફરતી વખતે સુરક્ષા કારણોસર વિમાન બદલાયું હોવાનો અહેવાલ તેઓ સત્તાવાર રીતે એરફોર્સ વનમાં સવાર થયા હતા, પરંતુ ત્યારબાદ અત્યંત ગુપ્ત રીતે તેમની મુસાફરીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, તુર્કીથી અમેરિકા પરત ફરતી વખતે ઈરાન તરફથી સંભવિત સુરક્ષા ખતરો હોવાના કારણે ટ્રમ્પની મુસાફરીમાં ગુપ્ત રીતે ફેરફાર કરવામાં આવ્યો હતો.
ગંભીર જાેખમને ધ્યાનમાં રાખીને તેમને મોટા એરફોર્સ વન વિમાનમાંથી નાના લશ્કરી વિમાનમાં શિફ્ટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનાની માહિતી અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં સામે આવી હોવાનું જણાવાયું છે. અહેવાલ મુજબ, ૮ જુલાઈએ નાટો સમિટમાં ભાગ લીધા બાદ ટ્રમ્પ અંકારાથી પરત ફરી રહ્યા હતા. તેઓ સત્તાવાર રીતે એરફોર્સ વનમાં સવાર થયા હતા, પરંતુ ત્યારબાદ અત્યંત ગુપ્ત રીતે તેમની મુસાફરીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એરફોર્સ વનમાં સવાર થયા બાદ ટ્રમ્પને થોડા સમયની અંદર ગુપ્ત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થા હેઠળ તેમને કેટરિંગ કન્ટેનર અથવા ટ્રક મારફતે એરપોર્ટના બીજા ભાગમાં લઈ જવામાં આવ્યા હોવાનો દાવો છે.
ત્યારબાદ તેમને નાના લશ્કરી વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા. આ વિમાન દ્વારા ટ્રમ્પને સુરક્ષિત રીતે બ્રિટન પહોંચાડવામાં આવ્યા હોવાનું અહેવાલમાં જણાવાયું છે. સમગ્ર પ્રક્રિયા એટલી ગુપ્ત રાખવામાં આવી હતી કે મીડિયા સહિત ઘણા લોકોને લાંબા સમય સુધી ટ્રમ્પ એરફોર્સ વનમાં જ મુસાફરી કરી રહ્યા હોવાનો ભ્રમ રહ્યો હતો.
આ મુસાફરી દરમિયાન એરફોર્સ વનમાં સવાર પત્રકારોને બારીના પડદા બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આવી અસામાન્ય સુરક્ષા વ્યવસ્થા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. અહેવાલો અનુસાર, આ પ્રકારની સાવચેતી સામાન્ય રીતે ગંભીર સુરક્ષા જાેખમ અથવા સંવેદનશીલ હવાઈ ક્ષેત્રમાંથી પસાર થતી વખતે રાખવામાં આવે છે.
જાેકે, અમેરિકી વહીવટીતંત્ર દ્વારા આ સમગ્ર ગુપ્ત ઓપરેશન અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અગાઉ પણ અમેરિકન મીડિયા અહેવાલોમાં ઈરાન સમર્થિત જૂથો તરફથી ટ્રમ્પ સામે સંભવિત ખતરાને કારણે તેમની મુસાફરીની સુરક્ષા વ્યવસ્થામાં ફેરફાર કરાયા હોવાના દાવા કરવામાં આવ્યા છે.
આ ઘટનાએ અમેરિકી રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા અને વિદેશ પ્રવાસ દરમિયાન સંભવિત આતંકી ખતરાને લઈને ચર્ચા વધુ તેજ કરી છે.ઈરાનની ધમકી વચ્ચે ટ્રમ્પની ગુપ્ત ફ્લાઇટ બદલાઈ, સુરક્ષા કારણોસર નાના વિમાનમાં શિફ્ટ




