
બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર્ટમાં ખુલાસો.અમદાવાદના સૌથી વ્યસ્ત ૬ રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ.કન્સલ્ટન્ટ દ્વારા શહેરના કુલ ૭૮ બ્રિજના નિરીક્ષણ બાદ ૬ બ્રિજમાં મેજર રિપેરિંગની જરૂરિયાત જણાઈ છે.અમદાવાદના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુરક્ષિત બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ લેવાયેલા સાવચેતીના પગલાં રૂપે શહેરના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટના આધારે હવે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ૬ રેલવે ઓવરબ્રિજના બેરિંગ બદલવા અને સિસ્મિક એરિએસ્ટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
કન્સલ્ટન્ટ દ્વારા શહેરના કુલ ૭૮ બ્રિજના નિરીક્ષણ બાદ ૬ બ્રિજમાં મેજર રિપેરિંગની જરૂરિયાત જણાઈ છે. જેમાં ગિરધરનગર બ્રિજ, ચામુંડા બ્રિજ, નાથાલાલ ઝગડા બ્રિજ, કેડિલા બ્રિજ, ચાંદલોડિયા બ્રિજ, ચીમનભાઈ પટેલ બ્રિજનો સમાવેશ થાય છે. છસ્ઝ્રના બ્રિજ પ્રોજેક્ટ અધિકારી જીગ્નેશ શાહના જણાવ્યા અનુસાર, આ કામગીરી માટે અંદાજે રૂ.૬૩ કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ ૧૫૨ સ્પાનને હાઈડ્રોલિક જેકની મદદથી ઊંચા કરવામાં આવશે અને જૂના ૧૭૪૬ બેરિંગ બદલીને નવા ફિટ કરવામાં આવશે.
ખાસ વાત એ છે કે આ નવા બેરિંગ માટે કોન્ટ્રાક્ટર પાસેથી ૧૫ વર્ષની ગેરંટી લેવામાં આવશે, જેથી લાંબા સમય સુધી જાળવણીની ચિંતા રહેશે નહીં.
આ માત્ર સામાન્ય રિપેરિંગ નથી, પરંતુ બ્રિજને કુદરતી હોનારત સામે સજ્જ કરવાની પ્રક્રિયા પણ છે. નવા બેરિંગની સાથે બ્રિજમાં સિસ્મિક એરિએસ્ટર પણ લગાડવામાં આવશે. આ ટેકનોલોજીના કારણે ભવિષ્યમાં ભૂકંપ જેવા આંચકાઓ સામે બ્રિજ વધુ સુરક્ષિત રહેશે અને મોટી જાનહાનિ ટાળી શકાશે.
બ્રિજના લિફ્ટિંગ સહિતની મહત્ત્વની કામગીરી સમયે સુરક્ષાના કારણોસર ટ્રક, બસ અને અન્ય ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જાેકે, હળવા વાહનો (ટુ-વ્હીલર અને કાર) માટે અવરજવર ચાલુ રાખવાનો પ્રયાસ કરાશે. નાના વાહનો માટે ટ્રાફિક ચાલુ રાખવા બેલી સ્ટ્રક્ચર જેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યભરમાં બ્રિજની સુરક્ષા પર સવાલો ઉઠ્યા હતા. અમદાવાદ કોર્પોરેશને સતર્કતા દાખવીને શહેરના તમામ બ્રિજનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાવ્યું હતું, જેના પરિણામ સ્વરૂપ આ વ્યૂહાત્મક સમારકામ શરૂ કરવામાં આવી રહ્યું છે.




