
આજે ગાંધીનગરમાં બજેટ સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, દેડિયાપાડના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા અને ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી વિધાનસભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લાઇવ પ્રસારણ શરૂ કરવાની માંગણી કરી હતી. મિડિયા સમક્ષ વાત કરતાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે દેશની લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી લાઇવ પ્રસારિત થાય છે. દેશની સુપ્રીમ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી પણ યુટ્યુબ પર લાઇવ ઉપલબ્ધ છે. અનેક રાજ્યોની વિધાનસભાઓની કામગીરી પણ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા લાઇવ પ્રસારિત થાય છે. તેમણે પ્રશ્ન કર્યો કે જ્યારે દેશની મહત્વપૂર્ણ સંસ્થાઓની કાર્યવાહી પારદર્શક રીતે જનતા સમક્ષ રજૂ થાય છે, ત્યારે ગુજરાત વિધાનસભાનું લાઇવ પ્રસારણ કેમ કરવામાં આવતું નથી? જનતાના મત અને ટેક્સના આધારે ચાલતી સરકાર અને વિધાનસભાની કામગીરી વિશે જાણવાનો જનતાને પૂર્ણ અધિકાર છે. ખેડૂત, મજૂર, નોકરીયાત, ગૃહિણીઓ સહિત દરેક નાગરિકને પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિધાનસભામાં શું પ્રશ્નો ઉઠાવે છે, શું ચર્ચા કરે છે અને કેવી કામગીરી કરે છે તે જાણવા તક મળવી જોઈએ. ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે અગાઉ પણ લેખિત અને મૌખિક રીતે વિધાનસભાનું લાઇવ ટેલિકાસ્ટ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે. આજે પણ ગૃહમાં સૂત્રોચ્ચાર અને બેનર દર્શાવી આ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીએ સરકારને વિનંતી કરી છે કે લોકશાહી મજબૂત કરવા અને પારદર્શિતા વધારવા માટે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું યુટ્યુબ, ફેસબુક તથા ટીવી માધ્યમો દ્વારા તાત્કાલિક લાઇવ પ્રસારણ શરૂ કરવામાં આવે.
આ તકે આમ આદમી પાર્ટી જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી, એટલે કે જયારેથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે, ત્યારથી સતત તેમની માંગણી રહી છે કે ગુજરાત વિધાનસભાની કાર્યવાહી લાઇવ પ્રસારિત કરવામાં આવે. આ મુદ્દે તેમણે અનેક વખત અધ્યક્ષને પત્ર લખ્યા છે અને મુખ્યમંત્રીનું પણ ધ્યાન દોર્યું છે. તેમ છતાં, તેમના કહેવા મુજબ, ભાજપ અને કોંગ્રેસની મિલીજુલી રાજકીય વ્યવસ્થામાં પ્રજાહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવતી નથી. તેમણે આક્ષેપ કર્યો કે ગુજરાતની જનતા સમક્ષ હકીકતો ખુલ્લી ન પડે તે માટે વિધાનસભાનું લાઇવ પ્રસારણ કરવામાં આવતું નથી. છેલ્લા વીસ વર્ષમાં કોંગ્રેસ દ્વારા પણ ક્યારેય વિધાનસભા લાઇવ કરવાની મજબૂત માંગ ઉઠાવવામાં આવી નથી, જ્યારે આમ આદમી પાર્ટી સતત અને દૃઢતાથી આ માંગણી કરી રહી છે. આજ રોજ પણ ગૃહની અંદર બેનરો દર્શાવી આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે દેશની લોકસભા, રાજ્યસભા, સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા થતી હોવા છતાં તેની કાર્યવાહી લાઇવ પ્રસારિત થાય છે. તેથી ગુજરાતના લોકોને પણ સંપૂર્ણ અધિકાર છે કે તેઓ વિધાનસભાની અંદર શું ચર્ચા અને કામગીરી ચાલી રહી છે તે જોઈ શકે. તેમણે જણાવ્યું કે વિરોધ પક્ષના ધારાસભ્યો ગુજરાતના લોકોનો અવાજ મજબૂતાઈથી રજૂ કરે છે અને સરકારના મંત્રીઓ દ્વારા આપવામાં આવતા જવાબો સહિત સમગ્ર કામગીરી જનતા સમક્ષ પારદર્શક રીતે પ્રસારિત થવી જોઈએ. આથી, ગુજરાત વિધાનસભાની કાર્યવાહી યુટ્યુબ સહિતના માધ્યમો પર લાઇવ પ્રસારિત કરવાની માંગ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા ફરી એક વખત ઉઠાવવામાં આવી છે.




