
દિવાળીને પગલે ફૂડ વિભાગની તવાઈ ડીસાની બહુચર ડેરી પ્રોડક્ટ્સમાંથી શંકાસ્પદ ઘીનો ૪૪ કિલોગ્રામ જથ્થો જપ્ત પેઢી સામે અગાઉ પણ ‘પ્રભુશ્રી કાઉ ઘી’ના નમૂના સાથે રૂ. ૪,૧૫,૯૩૩ની કિંમતનો ૭૩૪ કિલો જથ્થો જપ્ત કરાયો હતો
દિવાળીના તહેવારોને પગલે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ડીસા ખાતે આવેલી મે. બહુચર ડેરી પ્રોડક્ટ્સ પેઢી પર તપાસ હાથ ધરી શંકાસ્પદ ઘીનો ૪૪ કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો હતો જ્યારે મુદ્દત પૂરી થયેલા કવિરાજ બ્રાન્ડ ૩૦ લીટર ઘીનો પણ સ્થળ પર જ નાશ કરાયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસ દરમિયાન પેઢીના માલિક સાગરકુમાર શંકરલાલ ચોખાવાલા સ્થળ પર ઘીનું ઉત્પાદન અને પેકિંગ કરતા હોવાનું જણાયું હતું. આ કામગીરી દરમિયાન લૂઝ ઘીનો નમૂનો લઈ રૂ. ૨૮,૬૦૦ની કિંમતનો ૪૪ કિલોગ્રામ ઘીનો જથ્થો જપ્ત કરી પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યો હતો. ઉપરાંત, મુદ્દત પૂરી થયેલા ‘કવિરાજ બ્રાન્ડ ઘી’ના ૧૦૦ મિલીના ૧૫૦ નંગ અને ૨૦૦ મિલીના ૭૫ નંગ મળી કુલ ૩૦ લીટર, આશરે રૂ. ૧૯,૫૦૦નો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો હતો.તપાસ દરમિયાન પેઢી દ્વારા સેન્ટ્રલ ઓથોરિટી પાસેથી પ્લોટ નં. ૨૩, પી.એન. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જીઆઈડીસી રોડ, ડીસા ખાતેના સરનામા માટે લાયસન્સ મેળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જાેકે, પ્લોટ નં. ૩૦, બનાસ ઇન્ડસ્ટ્રિયલ એરિયા, ડીસા ખાતે જરૂરી પરવાના વિના ઉત્પાદન અને વ્યવસાય કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાયું હતું. આ પેઢી સામે અગાઉ તા. ૭ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ ‘પ્રભુશ્રી કાઉ ઘી’ના નમૂના સાથે રૂ. ૪,૧૫,૯૩૩ની કિંમતનો ૭૩૪ કિલો જથ્થો જપ્ત કરાયો હતો. આ નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયો હતો. એજ રીતે, તા. ૧૫ એપ્રિલ, ૨૦૨૬ના રોજ ‘કવિરાજ કાઉ ઘી’ના નમૂના સાથે રૂ. ૨,૫૧,૪૪૦ ની કિંમતનો ૪૪૯ કિલો જથ્થો પણ ગુણવત્તાના નિર્ધારિત ધોરણો કરતાં ઊતરતો જાહેર થયો હતો. જ્યારે તા. ૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ‘કવિરાજ કાઉ ઘી’ અને ‘પ્રભુશ્રી કાઉ ઘી’ના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા.




