
વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભા ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વિધાનસભા સત્રના બીજા દિવસે સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત અધિનિયમમાં સુધારો કરતું બિલ લાવવામાં આવ્યું. આ બિલ ગૃહમાં પસાર થયું અને આ બિલ ખૂબ જ મહત્વનું હતું. મારા વિસાવદર વિસ્તારમાં 90% લોકો ખેતી સાથે જોડાયેલા છે અને ખેતી કરતા લોકો સાથે અન્યાય ન થાય એ માટે આ બિલમાં મેં એક સુધારો સૂચવ્યો હતો. પહેલા કાયદા વિશે કહું તો આ કાયદો કહે છે કે 1948થી નક્કી થયું છે કે બિન ખેડૂત વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતો નથી. પણ ગુજરાતમાં કેટલાક લોકોએ પોતાની બે નંબરની કાળી કમાણીને છૂપાવવા માટે ખેડૂત ન હોવા છતાં પણ ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનીને ખેતીની જમીનો ખરીદી છે અને આ રીતે કાળા પૈસાથી ખેતીની જમીનો ખરીદવાના કારણે ખેતીનો સટ્ટો ચાલુ થયો. ખેતીની જમીનમાંથી ખેડૂતોનો હક નીકળી જાય એ પ્રકારની કામગીરી આખા ગુજરાતમાં થઈ રહી છે. સરકારે આ બિલમાં એવું જાહેર કર્યું કે જે પણ બિનખેડૂત વ્યક્તિ ખોટી રીતે જમીન ખરીદશે તો તેની પાસે જંત્રીના ત્રણ ગણા રૂપિયા દંડ રૂપે વસૂલવામાં આવશે. તો મેં આ બિલમાં કેટલાક સુધારા જણાવ્યા. જો કોઈ વ્યક્તિ ખોટી રીતે ખેતીની જમીન ખરીદે છે તો દંડની સાથે સાથે ખોટા ખેડૂતને અસલી ખેડૂત બનાવનાર અધિકારી વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ અને સજા થવી જોઈએ. દુઃખની બાબતે એ છે કે સરકારે મારો સુધારો માન્ય રાખ્યો નહીં. કોઈપણ બિન ખેડૂત માણસ ત્યારે જ ખેડૂત ખાતેદાર બની શકે જ્યારે એક સરકારી કર્મચારીની સહી થાય તો આ કામ કરવા માટે સરકારી માણસને સજા કેમ ન થાય?
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, મેં બીજો સુધારો જણાવ્યો કે તમે દંડ તો લઈ લેશો પરંતુ એ વ્યક્તિ જે ખેડૂત નથી એને ભવિષ્યમાં પણ ક્યારેય પણ ખેડૂત ખાતેદાર ન બનાવવામાં આવે એવો નિયમ બનાવવામાં આવે, તો આ રીતે મેં વિરોધ પક્ષના નેતા તરીકે મારો વિરોધ નોંધાવ્યો અને સુધારા જણાવ્યા. પરંતુ દુઃખ સાથે જણાવવું પડે છે કે ગુજરાતમાં ખેડૂત વિરોધી માનસિકતા ધરાવનાર બહુમતી ધરાવતી સરકારે ખેડૂતોને નુકસાન થાય, ખેત મજૂરો અને ગણોતિયાને નુકસાન થાય તેવું બિલ બહુમતીના જોરે વિધાનસભામાં પાસ કર્યું છે. તેના કારણે આવનારા સમયમાં કદાચ ગણોતિયાઓ અને ખેતી મજૂરી કરનારા અને ખેતીની જમીન ધારણ કરનારા લોકોને ખૂબ મોટી તકલીફ પડી શકે તેમ છે. સત્ર ચાલુ છે તો અમે આશા રાખીએ છીએ કે સરકારના મનમાં ખેડૂતો પ્રત્યે કોઈ ભાવ જાગે તો બીજી વખત આવો એક સુધારા વિધેયક એક લઈ આવે અને આ ખોટા કામોની સજા કરતું એક વિધેયક લઈને આવે.




