
2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરની પરિવહન વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી અનોખું જાહેર એક્ઝિબિશન ‘AmdavadNXT’ યોજવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ 21 થી 23 ફેબ્રુઆરી ત્રણ દિવસીય દરમિયાન રિવરફ્રન્ટ હાઉસ ખાતે સવારે 10.00 કલાકે યોજાશે. આ એક્ઝિબિશન તમામ નાગરિકો માટે ખુલ્લું રહેશે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં જાહેર પરિવહનને મજબૂત બનાવી સર્વસમાવેશક, જલવાયુ-સહનક્ષમ અને લોકો-કેન્દ્રિત મોબિલિટી અંગે શહેરવ્યાપી ચર્ચા શરૂ કરવાનો છે.
SHIFT Transport coalition હેઠળ AMC દ્વારા WRI India, TUL Foundation, UrbanVoices, aProCh, MYBYK તથા અન્ય સંસ્થાઓની ભાગીદારીમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 50થી વધુ સંસ્થાઓ, 35 શાળાઓ અને 18 યુનિવર્સિટીઓના સહયોગ સાથે યોજાનાર આ અનોખું મંચ નીતિ નિર્માતાઓ, શહેરી આયોજનકારો, શૈક્ષણિક સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ, સિવિલ સોસાયટી જૂથો અને નાગરિકોને એકત્ર કરી અમદાવાદના પરિવહન પ્રવાસ પર ચર્ચા અને ભાવિ દિશા નક્કી કરવાની તક આપશે.
આ પ્રદર્શન દરમિયાન શહેરની મોબિલિટી વિકાસયાત્રા — AMTS થી BRTS અને મેટ્રો સુધી — ઇન્ટરેક્ટિવ મેપ, ઇન્ફોગ્રાફિક્સ, મલ્ટીમીડિયા ઇન્સ્ટોલેશન અને પેનલ ડિસ્કશન દ્વારા રજૂ કરવામાં આવશે. મુલાકાતીઓ ગુજરાતના અન્ય શહેરોની શ્રેષ્ઠ પહેલોને પણ જાણી શકશે, નાગરિક અને શહેરી ઉકેલ પર કામ કરતા સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કરી શકશે તથા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ‘walled city of ahmedabad’નું લાઇફ સાઇઝ મોડેલ નિહાળી શકશે. આ એક્ઝિબિશનમાં નવસારી, ગાંધીનગર અને મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પોતાની નવીન પહેલો રજૂ કરશે.
આ અંગે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, IASએ જણાવ્યું હતું કે, અમદાવાદ આર્થિક અને સાંસ્કૃતિક હબ તરીકે વૈશ્વિક મહત્વ પ્રાપ્ત કરી રહ્યું છે,ત્યારે તેની મોબિલિટી વ્યવસ્થા પણ સમકક્ષ રીતે વિકસિત થવી આવશ્યક છે. તેમણે કહ્યું કે, “AmdavadNXT એ સંસ્થાઓ, નિષ્ણાતો અને નાગરિકોને એકત્ર કરી સુરક્ષિત, સર્વસમાવેશક અને ટકાઉ જાહેર પરિવહન વ્યવસ્થાની કલ્પના માટે મહત્વપૂર્ણ પહેલ છે. એકીકરણ, ઉપલબ્ધતા અને જાહેર ભાગીદારીને મજબૂત બનાવી અમે જાહેર પરિવહનને અમદાવાદના શહેરી ભવિષ્યનો આધારસ્તંભ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” તેમણે શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓને ભાગ લેવા તેમજ પ્રોત્સાહિત કરવા પણ આમંત્રણ આપ્યું છે.
પ્રદર્શન ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન થયેલી ચર્ચાઓ અને નાગરિકોના પ્રતિસાદના આધારે ‘Making Amdavad Ready for 2030’ શીર્ષક વ્હાઇટ પેપર તૈયાર કરવામાં આવશે. તેમાં શહેરના પરિવહન નેટવર્કમાં ઇન્ટ્રિગ્રેશન, સેફ્ટી, એક્સેસિબિલિટી તેમજ ક્લાઇમેટ પ્રતિસાદ ક્ષમતાને મજબૂત બનાવવા માટે મુખ્ય ભલામણો, પ્રાથમિક હસ્તક્ષેપો અને અમલ યોગ્ય માર્ગદર્શિકા રજૂ થવાની અપેક્ષા છે, જે અમદાવાદને વૈશ્વિક ઇવેન્ટ્સ અને લાંબા ગાળાના શહેરી વિકાસ માટે તૈયાર બનાવશે.
CEPT યુનિવર્સિટીના સહયોગથી યોજાનાર આ કાર્યક્રમ રિવરફ્રન્ટ હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે દરરોજ સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને તમામ નાગરિકો માટે ખુલ્લો રહેશે.




