
આ મુદ્દો પ્રથમ વખત ૨૦૧૨માં મીડિયામાં આવ્યો હતો.રાજપાલ યાદવનો બોલિવૂડ સ્ટાર્સ પાસેથી મળેલી આર્થિક મદદ જાહેર કરવા ઇનકાર.કાનુની કાર્યવાહી હજુ ચાલુ હોવાથી તે કંઈ પણ બોલવામાં ઘણું ધ્યાન રાખે છે : રાજપાલ યાદવ.બોલિવૂડ એક્ટર રાજપાલ યાદવને ૯ કરોડના દેવા અને ચેક બાઉન્સ કેસમાં ૧૬ ફેબ્રુઆરીએ વચગાળાના જામીન મળી ગયા છે. તે જેલમાં હતો એ સમય દરમિયાન અનેક બોલિવૂડ સેલિબ્રિટીઝે તેની બાકી રકમ ચૂકવવામાં આર્થિક મદદ કરી હોવાના એહેવાલો આવતા રહ્યા હતા. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં રાજપાલે મદદ કરનાર કલાકારોના નામ અથવા રકમ જાહેર કરવાનો ઇનકાર કર્યાે અને જણાવ્યું કે તે સહાનુભૂતિ મેળવવા માંગતો નથી. રાજપાલે કહ્યું કે કાનુની કાર્યવાહી હજુ ચાલુ હોવાથી તે કંઈ પણ બોલવામાં ઘણું ધ્યાન રાખે છે.
સોનુ સૂદ, સલમાન ખાન અને અજય દેવગન જેવા કલાકારોએ તેને આર્થિક મદદ કરી હોવાનું અહેવાલોમાં આવ્યું હતું, છતાં રાજપાલે જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીને જાહેરમાં તેના માટે સમર્થન સાબિત કરવાની જરૂર નથી. ઇન્ડસ્ટ્રી તરફથી મળેલા સહકાર અંગે બોલતા તેણે કહ્યું, “આ મુદ્દો પ્રથમ વખત ૨૦૧૨માં મીડિયામાં આવ્યો હતો. હેડલાઇન્સમાં લખાયું કે ‘રાજપાલ યાદવ ઠગ છે’. ત્યારથી હું દર વર્ષે ઓછામાં ઓછી દસ ફિલ્મોમાં કામ કરતો રહ્યો છું. જાે હું ખરેખર ઠગ હોત, તો લોકો મારી સાથે કામ કેમ કરતા હોત? ઇન્ડસ્ટ્રીને સાબિત કરવાની જરૂર નથી કે તેઓ મારી સાથે છે; મને વિશ્વાસ છે કે બધાં મારી સાથે છે.”જ્યારે તેને સીધો પ્રશ્ન પૂછાયો કે ઇન્ડસ્ટ્રીના સહકર્મીઓ પાસેથી કેટલી આર્થિક મદદ મળી, ત્યારે રાજપાલે નામ કે રકમ જણાવવાનો ઇનકાર કર્યાે અને કહ્યું, “મને મળેલી દરેક મદદનું હું સન્માન કરું છું, પરંતુ મારે સહાનુભૂતિની કોઈ જરૂર નથી.”૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ દિલ્હી હાઈકોર્ટએ રાજપાલને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તેણે કોર્ટને જણાવ્યું હતું કે તે આ રકમ ચૂકવવા સક્ષમ નથી. ત્યારબાદ તેણે આત્મસમર્પણ કર્યું અને તેને તિહાર જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલ દરમિયાન સોનુ સૂદે જાહેરમાં તેને આર્થિક મદદની ઓફર કરી હતી અને આવનારા પ્રોજેક્ટ માટે ટોકન રકમ સાથે રાજપાલને સાઇન પણ કર્યાે હતો.




