
ગુજરાત માટે સારા સમાચાર!.નર્મદા ડેમમાં ૨૪ કલાકમાં ૨૪ સેમીનો થયેલો વધારો.મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં મેઘરાજાએ મહેર કરતા નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે.ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં મેઘરાજાએ મહેર કરતા નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે, જેના પરિણામે ડેમમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે.
હાલમાં ઉપરવાસમાંથી ૫૦,૬૧૬ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીની ભારે આવકને કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૨૬.૪૩ મીટર સુધી પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૨૪ સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે, જે પાણીની આવકની તીવ્રતા દર્શાવે છે. ડેમ હાલમાં તેની કુલ ક્ષમતાના આશરે ૬૫% ભરાયેલો જાેવા મળી રહ્યો છે. પાણીની આવકને પહોંચી વળવા અને વીજળી ઉત્પાદન માટે નર્મદાના આરબીપીએચ (રિવર બેડ પાવર હાઉસ)ના બે યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. આ સ્થિતિ ગુજરાત માટે સારા સંકેત આપી રહી છે, કારણ કે પાણીનો પૂરતો જથ્થો રાજ્યની સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને સંતોષવામાં મદદરૂપ થશે.




