
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલથી ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આવતીકાલે 21 ફેબ્રુઆરીએ પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચૂંટણી સમિતિની જાહેરાત કરી દીધી છે અને મજબૂતીથી ચૂંટણી તરફ આગળ વધી રહી છે. આવતીકાલે અરવિંદ કેજરીવાલજી અમદાવાદ એરપોર્ટ ખાતે પધારશે અને મીડિયાને સંબોધન કરશે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ સાથે સંગઠન મુદ્દે મહત્વપૂર્ણ બેઠક કરશે.
વધુમાં AAP નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ત્યારબાદ રવિવારે 22 ફેબ્રુઆરીએ ભાવનગરમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં જે માંધાતા ગ્રુપના સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, તેમાં અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ હાજરી આપશે. ત્યારબાદ વલ્લભીપુર તાલુકાના પછે ગામમાં મુરલીધર મંદિરની પ્રતિષ્ઠામાં પણ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ હાજરી આપશે અને દર્શન કરશે. સાથે સાથે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માન સાહેબ જાણીતા વક્તા રમેશભાઈ ઓઝાની કથાનું રસપાન પણ કરશે.




