
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશભરમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ગુમ થઈ રહ્યા છે અને થાય છે. જેમાં મોટાભાગે બાળકો, મહિલાઓ અને છોકરીઓ હોય છે. આ વર્ષે જાન્યુઆરીના પહેલા વીકમાં ફકત રાજધાની દિલ્હી માંથી જ ૮૦૦ થી વધુ લોકો ગુમ થયાના સમાચારોએ ફરી એકવાર આ મુદ્દાની ગંભીરતા પર ભાર મૂકયો છે. છતાં આશ્ચર્યજનક રીતે આ ગુનાહિત સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ એકીકૃત રાષ્ટ્રીય પ્રયાસો થયા નથી. ગુમ થયેલા વ્યક્તિઓનું રાજય-દર- રાજય વિશ્લેષણ પણ ભાગ્યે જ ઉપલબ્ધ છે. આજ સુધી કેટલા મળી આવ્યા છે. અને આવા કિસ્સાઓ પાછળ કોણ હતું એ અંગે કોઈ માહિતી જ મળતી નથી. વિચાર કરો કે જો ફકત દિલ્હી માંથી થોડા દિવસોમાં ૮૦૦ જણા ગુમ થયા હોય તો આખા દેશમાંથી કેટલા લોકો ગુમ થયા હશે?
આજ કારણે આ મુદ્દા પર ચિંતા વ્યકત કરતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તપાસ કરવા કહ્યું કે શું દેશના વિવિધ ભાગોમાં ગુમ થયેલા બાળકોની ઘટનાઓ પાછળ કોઈ ખાસ જૂથનો હાથ છે? આ માટે તેણે કેન્દ્ર સરકારને આવા કેસોની સંખ્યા અને તમામ રાજયોમાંથી લેવામાં આવેલા પગલાંની વિગતો એકત્રિત કરવા અને તેનું વિશ્લેષ્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ જ્યારે આવો આદેશ આપી શકે છે ત્યારે શું કેન્દ્ર સરકારની આ ફરજ ન હતી કે તે આવા કોઈ પગલાં ભરે?
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે દેશભરમાંથી ગુમ થયેલા બાળકોના ડેટા એકત્રિત કરવા માટે એક પોર્ટલ બનાવ્યું છે. જ્યાં બધા રાજયો આવી ઘટનાઓની વિગતો સબમિટ કરી શકે છે. જો કે આ પ્રક્રિયામાં સરકારી તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ છે. કેન્દ્ર સરકારે પોતે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે કેટલાક રાજયોએ ગુમ થયેલા બાળકો અને સંબંધિત કાર્યવાહી સંબંધિત ટેડો પૂરો પાડયો નથી. પણ આવો જવાબ અદાલતમાં આપીને કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
આમ આ મુદ્દાની ગંભીરતાનો અંદાજ નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરો (NCB) ના એ અહેવાલ પરથી લગાવી શકાય છે કે, જેમાં જણાવાયું છે કે ૨૦૨૩ માં દેશભરમાં ૮,૦૦,૦૦૦ (આઠ લાખ) થી વધુ લોકો ગુમ થયા હતા. આ સમસ્યા ખાસ કરીને દિલ્હી જેવા મોટા શહેરોમાં ગંભીર છે. ગુજરાતમાં પણ આ સમસ્યા ગંભીર જ છે. જ્યાં આપણાં શહેરોથી લઈને ગામડાઓ સુધ્ધાંમાંથી ગુમ થનારા લોકોના સમાચારો સતત આવતા જ રહે છે. એમાંયે મુખ્યત્વે નાના બાળકો કે બાળકીઓની સંખ્યા મોટી હોય છે. તેથી દરેક રાજય પોતાની જવાબદારી સમજે અને ગુમ થયેલી વ્યક્તિઓના કિસ્સામાં તાત્કાલિક કાર્યવાહી કરે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ બેદરકારી જોવા મળે છે તો સિસ્ટમમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે સંબંધિત અધિકારીઓને જવાબદાર ઠેરવવા જોઈએ. અને કાયદેસરની કાર્યવાહી કરી તંત્રને જવાબદારીનું ભાન કરાવવું જોઈએ. નહીંતર નિરંતર આ સિલસિલો ચાલ્યા જ કરશે. અને તંત્ર ભર નિંદ્રામાં પોઢેલુ જ રહેશે.




