
હોમગાર્ડ જવાનો માટે ગુજરાત હાઈકોર્ટનો મોટો ર્નિણય પોલીસ જેવા લાભો નહીં મળે, પણ પગાર વધી શકે હોમગાર્ડ જવાનોને પોલીસ કર્મચારીઓની જેમ જ પગાર સહિતના લાભો આપવા દાદ માંગતી ઢગલાબંધ રિટ ફગાવાઈ રાજ્યના હોમગાર્ડ જવાનો માટે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સમાન કામ, સમાન વેતન મુદ્દે દાદ માગતી ઢગલાબંધ રિટ કોર્ટે ફગાવી દીધી છે. જી હા…રાજ્યના હોમગાર્ડ જવાનોએ પોલીસ કર્મચારીઓ જેવા જ પગાર અને અન્ય લાભો મેળવવા માટે કરવામાં આવેલી અનેક રિટ અરજીઓને ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટના જસ્ટિસ મૌલિક જે. શેલતે સ્પષ્ટ કર્યું હતું કે હોમગાર્ડ અને પોલીસની ફરજાે અલગ અલગ છે, જેથી તેમને સમાન ગણી શકાય નહીં.
ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો સ્પષ્ટ કરી. જેમાં કોર્ટે નોંધ્યું છે કે રાજ્યના હોમગાર્ડ જવાનો અને પોલીસ કર્મચારીઓના કામ એકસમાન નથી. આથી, અહીં સમાન કામ માટે સમાન પગારનો નિયમ લાગુ કરી શકાતો નહીં. કોર્ટે ઉમેર્યું હતું કે બોમ્બે હોમગાર્ડઝ એકટ-૧૯૪૭ મુજબ હોમગાર્ડની સેવા એ એક સ્વૈચ્છિક સંગઠન અને માનદ્ સેવા છે. તેમની સેવાને બારમાસી કે કાયમી સેવા તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં. પોલીસ કર્મચારીઓની નિમણૂંક એક ચોક્કસ કાયદેસરની અને રેગ્યુલર પ્રક્રિયા દ્વારા થાય છે, જ્યારે હોમગાર્ડની પસંદગી અલગ વ્યવસ્થાથી કરવામાં આવે છે.
ગુજરાત સરકાર વતી આ અરજીઓનો પહેલાથી સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારની મુખ્ય દલીલોની વાત કરીએ તો હોમગાર્ડ જવાનોની સેવા સ્વૈચ્છિક છે, જ્યારે પોલીસની સેવા કાયમી અને નિયમિત હોય છે. બંનેના કામના કલાકો, જવાબદારીઓ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં જમીન-આસમાનનો ફર્ક છે. તેથી તેમની સરખામણી પોલીસ જવાનો સાથે કરવી તર્કસંગત નથી.
જાેકે, ગુજરાત હાઈકોર્ટે હોમગાર્ડ જવાનોની અરજીઓ ફગાવી દીધી હોવા છતાં હોમગાર્ડ જવાનોની સ્થિતિ પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને સૂચન કર્યું છે કે હોમગાર્ડ જવાનોના વર્તમાન પગારધોરણ (ભથ્થા) માં સુધારો કરવા અંગે વિચારણા કરવી જાેઈએ. અરજદારોની દલીલ હતી કે તેઓ મહિનામાં લગભગ ૨૭ દિવસ ફરજ બજાવે છે, તેથી તેમને આર્થિક રક્ષણ મળવું જાેઈએ. હાઈકોર્ટે આ પાસાને ધ્યાને રાખીને રાજ્ય સરકારને પગારધોરણ સુધારવા ભલામણ કરી છે, પરંતુ તેમને પોલીસ કે બોર્ડર વિંગ હોમગાર્ડ જેવા જ લાભો આપવાનો સાફ ઇનકાર કર્યો છે.




