
નાણામંત્રી ર્નિમલા સીતારમણે સ્પષ્ટ કર્યું દેશમાં સોના-ચાંદીની આયાત હાલ ચિંતાજનક સ્તરે નથી આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ ખાતરી આપી હતી કે સોનાની આયાત અંગે કોઈ નોંધપાત્ર ચિંતા નથી
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૬૧મી બેઠક સોમવારે (૨૩મી ફેબ્રુઆરી) નવી દિલ્હી સ્થિત RBI ભવન ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં નાણામંત્રી ર્નિમલા સીતારમણ અને RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશની આર્થિક સ્થિતિ, સોના-ચાંદીની આયાત અને અમેરિકા દ્વારા લાદવામાં આવતા સંભવિત ટેરિફ મુદ્દે મહત્ત્વની સ્પષ્ટતા કરી હતી.
સોના-ચાંદી અંગે નાણામંત્રી ર્નિમલા સીતારમણે સ્પષ્ટ કર્યું હતું કે, દેશમાં સોના અને ચાંદીની આયાત હાલ ચિંતાજનક સ્તરે નથી. વૈશ્વિક સ્તરે કેન્દ્રીય બેન્કો દ્વારા થઈ રહેલી મોટી ખરીદીને કારણે સોનાના ભાવ વધ્યા છે. ભારતીય ઘરોમાં સોનું પરંપરાગત રોકાણ છે અને તહેવારોમાં તેની માંગ રહે જ છે. જાેકે, ભાવ હજુ ચોક્કસ મર્યાદા પાર કરી શક્યા નથી અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા સંભવિત ટેરિફ ફેરફારો અંગે નાણાંમંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે, અમેરિકાના ટેરિફ ફેરફારોની અર્થતંત્ર પર શું અસર થશે તે અંગે ટિપ્પણી કરવી હજુ વહેલું ગણાશે. વાણિજ્ય મંત્રી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. બેન્કોએ વીમા ઉત્પાદનોનું ખોટી રીતે વેચાણ કરવાને બદલે તેમના મુખ્ય વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ.
આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ ખાતરી આપી હતી કે સોનાની આયાત અંગે કોઈ નોંધપાત્ર ચિંતા નથી. બાહ્ય ક્ષેત્ર મજબૂત છે અને ચાલુ ખાતાની ખાધ વ્યવસ્થાપિત સ્તરની અંદર છે. આરબીઆઈ અર્થતંત્રની ઉત્પાદક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતી તરલતા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.




