
દેશમાં ૪ કરોડ પરિવારને ઘરના ઘર મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષ દેશ માટે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના વર્ષો રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનો મીડિયા સંવાદ યોજાયો હતો. કાર્યક્રમ પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના ૧૨ વર્ષના શાસનકાળ દરમિયાન લેવાયેલા મહત્વપૂર્ણ ર્નિણયો, વિકાસ કાર્યો અને જનકલ્યાણકારી યોજનાઓને દર્શાવતી પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ વિષયો પર રંગોળી દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારની નીતિઓને બિરદાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં હાલ વિકાસની રાજનીતિનો એક નવો સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મજબૂત વૈશ્વિક નેતાગીરીના કારણે આજે સમગ્ર વિશ્વમાં ભારતને એક નવું અને ગૌરવપૂર્ણ સ્થાન અપાવ્યું છે. પ્રજા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ બનાવી છે. તેમણે કહ્યું કે વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચાયો છે. નરેન્દ્ર મોદી વૈશ્વિક નેતા બન્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષ દેશ માટે વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના વર્ષો રહ્યા છે. જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભૂતપૂર્વ વિશ્વાસ મૂક્યો છે અને તેમના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે નવી ઓળખ બનાવી છે. તેમણે જણાવ્યું કે દુનિયાના ૩૨ દેશોએ નરેન્દ્ર મોદીને પોતાના સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે, જે દેશ માટે ગૌરવની બાબત છે. લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપવાના મામલે પણ નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગિફ્ટ સિટી આજે વૈશ્વિક ફાઈનાન્સિયલ હબ તરીકે ઉભરી આવી છે અને ડિજિટલ ઈન્ડિયાના વિઝનને કારણે દેશમાં દર મહિને ૬૬ કરોડથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર જેવી કામગીરીઓ દ્વારા સમગ્ર વિશ્વે નવા ભારતની શક્તિ અને સંકલ્પશક્તિનો પરિચય મેળવ્યો છે.
જનકલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ૮૦ કરોડથી વધુ ગરીબ લોકોને નિ:શુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે. દેશમાં ૪ કરોડથી વધુ પરિવારોને આવાસ મળ્યા છે અને ૫૬ કરોડથી વધુ જનધન ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં ૩૨ કરોડથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. મહિલાઓના સશક્તિકરણ માટે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન તેમજ નારી શક્તિ વંદના અધિનિયમ દ્વારા રાજકીય ક્ષેત્રમાં ૩૩ ટકા ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.



