
CCTV નિરીક્ષણમાં પણ લાલિયાવાડીનો ખુલાસો કંટ્રોલ રૂમમાં કર્મચારીઓની ગેરહાજરીનો લાભ ઉઠાવી આરોપીઓએ ચોરી કરી આરોપીઓએ ૭૯ લાખ રોકડા અને દાગીના રિકવર કરાવ્યા છે, જેનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવામાં થયો હતો અયોધ્યાના રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિની તપાસ હવે એવા વળાંક પર પહોંચી ગઈ છે, જ્યાં પોલીસનું માનવું છે કે કેટલાય મહત્વના ખુલાસા માત્ર દસ્તાવેજાેથી નહીં, પરંતુ આરોપીઓને સામસામે બેસાડીને પૂછપરછ કરવાથી સામે આવશે. આ જ કડીમાં અયોધ્યા પોલીસે જેલમાં બંધ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેને રિમાન્ડ પર લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે.
તપાસમાં સામે આવ્યું છે કે, દાનની ગણતરી માટેના કાઉન્ટિંગ રૂમમાં લાગેલા CCTV કેમેરાની દેખરેખમાં રાખવામાં આવેલી કથિત બેદરકારીનો આરોપીઓએ પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘણી વખત કંટ્રોલ રૂમમાં કોઈ કર્મચારી હાજર નહોતો રહેતો, જેના કારણે તેમના પર નજર રાખનાર કોઈ ન હતું અને ચોરી કરવી તેમના માટે સરળ બની જતી હતી.
પોલીસ પૂછપરછમાં ધરપકડ કરાયેલા આરોપીઓએ જણાવ્યું કે, નોકરી મળ્યાના માત્ર બે-ત્રણ મહિનામાં જ ૬ કર્મચારીઓએ ભેગા મળીને દાનની રકમની ચોરી શરૂ કરી દીધી હતી.
શરૂઆતમાં તેઓ ૫૦૦ની એક-બે નોટો કપડાંમાં છુપાવીને બહાર લઈ જતા હતા. જ્યારે લાંબા સમય સુધી તેમની આ કરતૂત પકડાઈ નહીં, ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધતો ગયો અને ધીમે-ધીમે તેઓ નોટોના બંડલ તથા ત્યારબાદ મોટી રકમની ચોરી કરવા લાગ્યા.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ સામૂહિક રીતે લગભગ ૨ થી ૩ કરોડ સુધીની કથિત ચોરીની કબૂલાત કરી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા પ્રમાણે આ રકમનો ઉપયોગ ૭ આરોપીઓએ અયોધ્યા સહિત અન્ય સ્થળોએ પ્રોપર્ટી ખરીદવામાં કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રસ્ટે ચાર અને પાંચ જૂનની આસપાસ આરોપીઓના ઠેકાણા પરથી લગભગ ૭૯ લાખની રોકડ અને કેટલાક દાગીના રિકવર કરાવ્યા હતા. ધરપકડ બાદ પણ તેમની પાસેથી વધારાની રોકડ મળી આવી હોવાની માહિતી સામે આવી છે. રિકવર કરાયેલા દાગીનાની ચકાસણી કરવામાં આવી રહી છે. જાે તેના કાયદેસરના ખરીદ અથવા ભેટમાં મળ્યા હોવાના પુરાવા મળશે, તો તે પરિવારજનોને પરત કરવામાં આવશે, અન્યથા તેને ચોરીની મિલકત ગણીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.




