
અસંસ્કારી વર્તનથી ગુજરાતની ગરિમા લજવાઈ ગુજરાતી પ્રવાસીઓનો અરુણાચલ પ્રદેશની હોટલમાં ભારે હંગામો અરુણાચલ પ્રદેશના દિબાંગ વેલીના એક રિસોર્ટમાં ખાણીપીણી મામલે ગુજરાતી પ્રવાસીઓએ હોબાળો કર્યો અરુણાચલ પ્રદેશ ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓએ ગુજરાતની ગરિમા લજવાય તેવું કામ કર્યું છે. એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુજરાતી પ્રવાસીઓ દિબાંગ વેલીના રિસોર્ટમાં અસંસ્કારી વર્તન કરતા જાેવા મળ્યા હતા. આ ઘટના ૨૦ ફેબ્રુઆરીના રોજ દિબાંગ વેલી જિલ્લાના મશલી હિલ્સ રિસોર્ટની છે. જેનો વીડિયો વાયરલ થયા બાદ લોકો ગુજરાતી પ્રવાસીઓ પર ફીટકાર વરસાવી રહ્યાં છે.
સ્થાનિકો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનની સરહદે આવેલો અરુણચલ પ્રદેશ રાજ્ય તેની શાંતિ અને રમણીય, મનોહર પર્યટન માટે જાણીતો છે. અહીં સરહદને અડીને દિબાંગ વેલી આવેલી છે. આ દિબાંગ ખીણ જિલ્લાના એક સ્થાનિક રિસોર્ટમાં ગુજરાતના પ્રવાસીઓ દ્વારા કથિત અપમાનજનક વર્તન દર્શાવતો વીડિયો સામે આવ્યા બાદ અનિની વિસ્તારના રહેવાસીઓ અને રિસોર્ટ માલિકોએ ભારે નિરાશા વ્યક્ત કરી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ગુજરાતથી આવેલા મહેમાનોએ રિસોર્ટ સ્ટાફ સાથે કથિત રીતે અસંસ્કારી વર્તન કર્યું હતું, જેના કારણે રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે, આવા વર્તનથી પ્રદેશની આદરની સંસ્કૃતિ અને સમુદાય મૂલ્યોને નબળી પાડે છે. રિસોર્ટ માલિકોએ જણાવ્યું હતું કે, અહીં મુલાકાતીઓનું ખુલ્લા હાથે સ્વાગત કરવામાં આવે છે. તેમની પાસેથી સ્થાનિક રિવાજાે પ્રત્યે સૌજન્ય અને આદર રાખવાની પણ અપેક્ષા રાખવામાં આવે છે.
આ ગુજરાતી પ્રવાસીઓની ઓળખ આસ્થા દેવેન્દ્ર કુમાર પટેલ, ધ્રુવ દેવેન્દ્ર કુમાર પટેલ, સ્મિતાબેન દેવેન્દ્ર કુમાર પટેલ અને દેવેન્દ્ર કુમાર પટેલ તરીકે થઈ છે, જે બધા ગુજરાતના છે. વીડિયોમાં એક યુવક અને યુવતી અભદ્ર ગાળો ભાંડતા જણાઈ રહ્યાં છે. જ્યારે કે, રિસોર્ટનો સ્ટાફ શાંતિથી તેમની સાથે વર્તન કરી રહ્યો છે.
આ વીડિયો વાયરલ થયા બાદ ગુજરાતી પ્રવાસીઓ સામે ઓનલાઈન આલોચના થઈ રહી છે. લોકો તેમના વર્તન સામે સવાલો કરી રહ્યાં છે. આ ઘટના ૨૦ ફેબ્રુઆરીના રોજ દિબાંગ વેલીના અનીની વિસ્તારમાં આવેલ મિશ્મી હિલ્સ રિસોર્ટમાં બની હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ ઝગડો રિસોર્ટની બહાર ખાણીપીણીની વસ્તુઓના પ્રતિબંધવાળી પોલિસીને લઈને થયો હતો. ઠ પર શેર કરાયેલા વીડિયોમાં પુરુષો અને મહિલાઓનું એક ગ્રુપ રિસોર્ટમાં ફરવા આવ્યું હતું, અને તેઓએ રિસોર્ટના સ્ટાફ સાથે અણછાજતું વર્તન કર્યું હતું.




