
મધ્યપ્રદેશમાં ભાજપના ભ્રષ્ટાચારની પોલ ખુલી ૪૦૦ કરોડના ખર્ચે બનેલો બ્રિજ ચાર વર્ષમાં ધરાશાયી જબલપુરથી ભોપાલને જાેડતા નેશનલ હાઈવે-૪૫ પર માત્ર બ્રિજ ધરાશાયી થતાં તંત્રની પોલ ખુલી ગઈ છે મધ્ય પ્રદેશમાં ભાજપના રાજમાં સરકારી ભ્રષ્ટાચાર અને નબળા બાંધકામનો એક ચોંકાવનારો નમૂનો સામે આવ્યો છે. જબલપુરથી ભોપાલને જાેડતા નેશનલ હાઈવે-૪૫ પર માત્ર ૪ વર્ષ પહેલાં બનેલો ૪૦૦ કરોડનો બ્રિજ ધરાશાયી થતાં તંત્રની પોલ ખુલી ગઈ છે. જબલપુર-ભોપાલ નેશનલ હાઈવે-૪૫ પર સ્થિત વના રેલવે ઓવરબ્રિજનો એક મોટો હિસ્સો તૂટી પડ્યો છે. આ બ્રિજનો એક ભાગ છેલ્લા ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત હતો, જેના કારણે વાહનવ્યવહાર માત્ર એક તરફથી ચલાવવામાં આવતો હતો. પરંતુ હવે બીજાે હિસ્સો પણ ધરાશાયી થતાં હાઈવે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે અટકી ગયો છે. ૪ વર્ષ પહેલાં રૂ.૪૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલો ૫૬ કિલોમીટર લાંબો માર્ગ અને આ બ્રિજ આટલી જલ્દી જવાબ આપી દેતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ ઓવરબ્રિજનું નિર્માણ મેસર્સ બાગડ ઈન્ફ્રા નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ કંપનીને નબળા કામ અને ગેરરીતિ બદલ પહેલાથી જ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત, બાંધકામ દરમિયાન ગેરકાયદેસર ખનન કરવા બદલ વહીવટીતંત્ર દ્વારા કંપની પર રૂ.૮૨ કરોડનો જંગી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હાલમાં આ બ્રિજ ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ (ગેરંટી પિરિયડ) હેઠળ હતો, જેથી તેની મરામતનો ખર્ચ કોન્ટ્રાક્ટરે જ ભોગવવો પડશે.
દુર્ઘટના બાદ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. ભારે વાહનોને બાયપાસ માર્ગે અને હળવા વાહનોને શહેપુરા શહેરની અંદરના રસ્તાઓ પરથી પસાર કરવામાં આવી રહ્યા છે. ભોપાલ જવા માંગતા મુસાફરોને ગોટેગાંવ અથવા પાટણ બાયપાસ થઈને જવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ, ટોલ ટેક્સની વસૂલાત ચાલુ હોવા છતાં મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.




