
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, 27 ફેબ્રુઆરીનો ઐતિહાસિક દિવસ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી તથા દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાજીએ ઘણા અત્યાચાર સહ્યા. ભારતના ઇતિહાસમાં પહેલી વખત એવું થયું કે સીટિંગ ચીફ મિનિસ્ટરને જેલમાં જવું પડ્યું હોય. આવું એટલા માટે થયું કારણ કે મનીષ સિસોદિયાજીએ દિલ્હીમાં શાનદાર સરકારી સ્કૂલો બનાવી અને શિક્ષણના મોડલથી સમગ્ર દેશને જાગૃત કર્યો અને સંદેશ આપ્યો કે એક આમ આદમી અને એક સરકાર ઈચ્છે તો શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ થઈ શકે છે. મનીષ સિસોદિયાજીના શિક્ષણના અને સત્યેન્દ્ર જૈનજીના સ્વાસ્થ્ય મોડલને ધ્યાનમાં રાખીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 42 લાખ લોકોએ આમ આદમી પાર્ટીને વોટ આપ્યો અને આ વાતથી બીજેપી ભડકી ગઈ હતી. ત્યારથી જ નરેન્દ્ર મોદી અને અમિત શાહે નક્કી કર્યું હતું કે કટ્ટર ઈમાનદાર છબી પર કાદવ ઉછાળવામાં આવશે. બાદમાં તે લોકોએ નકલી શરાબ કૌભાંડ કેસ દર્જ કર્યો. જયારે હકીકતમાં આવું કોઈ કૌભાંડ થયું જ ન હતું.
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આ નકલી કેસના આધારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની ઈમાનદાર છબીને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી. પરંતુ મને ખૂબ જ ગર્વ થાય છે કે અમારા નેતા અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને સત્યેન્દ્ર જૈનજીએ સંઘર્ષના મેદાનમાં પીછેહઠ નથી કરી અને ભાજપે એ લોકોને ઝુકાવવાની ખૂબ જ કોશિશ કરી પરંતુ તેઓ ઝૂક્યા નહીં. મને ગર્વ છે કે તેઓ ઝૂક્યા પણ નહીં અને આજે જીત્યા. દિલ્હીની કોર્ટે આજે આ તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા અને કહ્યું કે આવું કોઈ કૌભાંડ થયું જ નથી. જો હવે હકીકત સામે આવી ગઈ છે તો મને આશા છે કે ભાજપના લોકો હાથ જોડીને માફી માંગશે. કારણકે અરવિંદ કેજરીવાલ દેશ માટે કામ કરી રહ્યા છે. એમણે બનાવેલું શિક્ષા મોડલ એ ફક્ત એમનું ન હતું પરંતુ સમગ્ર દેશનું હતું અને એ મોડેલના આધારે એમણે પંજાબમાં સરકાર બનાવી અને ગુજરાતમાં 42 લાખ વોટ મેળવ્યા. મને ખુશી થાય છે કે મારા નેતા જે પોતાને કટ્ટર ઈમાનદાર બોલતા હતા અને આજે ફરી એકવાર તેઓ કટ્ટર ઈમાનદાર સાબિત થયા છે. અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયાજીને ફરી એકવાર શુભેચ્છા પાઠવું છું અને ભાજપના લોકોને કહું છું કે થોડી પણ શરમ હોય તો હાથ જોડીને માફી માંગી લો.




