
આજે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ અને પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખિલ સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP નેતા પ્રવીણ રામે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગુજરાતમાં ખેડૂતો માટે “કિસાન બચાવો યાત્રા” AAP દ્વારા શરૂ કરવામાં આવી હતી. 108 દિવસની જેલ બાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરના ખેડૂતો સુધી પહોંચવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા આજે રાજકોટ ખાતે પહોંચી છે. રાજકોટ ખાતે સ્થાનિક તમામ પદાધિકારીઓ, જિલ્લાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રા રાજકોટ જિલ્લાના તાલુકાઓ અને વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. ચૌપાલ બેઠક અને રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહેશે.
વધુમાં, ખેડૂત નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આ યાત્રા અત્યાર સુધી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી પસાર થઈ છે, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પોતાના સ્થાનિક પ્રશ્નો રજૂ કર્યા હતા. યાત્રા આઠમી તારીખે ગાંધીનગર પહોંચવાની છે. ખેડૂતોના મુખ્ય પ્રશ્નોમાં ઉભા પાકમાં વીજ લાઈન નાખવામાં આવે છે અને વળતર પણ આપવામાં આવતું નથી, દમન કરવામાં આવે છે, માવઠા સહાયમાં અનિયમિતતા અને સિંચાઈના પાણીની સમસ્યાઓનો સમાવેશ થાય છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સહાય અંગે મોટી જાહેરાતો થાય છે, પરંતુ વાસ્તવમાં મોટાભાગના ખેડૂતોને યોગ્ય લાભ મળતો નથી. ડેમમાંથી ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી અને પાણી કંપનીઓને જઇ રહ્યુ છે. તેવી ફરિયાદો પણ છે. ખેડૂતોના તમામ પ્રશ્નોને ઉજાગર કરવામાં આવશે, તેમના હક્ક માટે અવાજ ઉઠાવવામાં આવશે અને લડત લડવામાં આવશે. રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતોને આ યાત્રામાં જોડાવા માટે તેમણે નમ્ર અપીલ કરી હતી.
વધુમાં ખેડૂત નેતા પ્રવીણ રામે કૃષિ મંત્રીના નિવેદન પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કૃષિ મંત્રીએ કહ્યું હતું કે “યાત્રામાં કોઈ ખેડૂતો જોડાઈ નહીં રહ્યા..” તો કૃષિમંત્રીને પણ યાત્રામાં જોડાવા આમંત્રણ આપું છું, રાજકોટની અમારી યાત્રામાં જોડાવ, કેટલા ખેડૂતો આ યાત્રામાં જોડાય છે તે તમારી દ્રષ્ટ્રિથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે સરકારથી ખેડૂતોને કેટલો અસંતોષ છે. કૃષિ મંત્રીએ કહ્યુ છે કે “અમે (ભાજપ) ચૂંટણી ખેડૂતોના મુદ્દે લડશું..” કયા મોઢે લડશો? ખેડૂતોના એકપણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. તમે ખેડૂતો પર લાઠીઓ વરસાવી છે, માર માર્યો છે. તમે કહો છો કે “ખેડૂતો ભીખારી નથી, સ્વાભિમાની છે” તો એ જ તો વાત છે કે ખેડૂતો જે માંગે છે તે ભીખ નથી, પરંતુ તેમનો હક છે. એટલા માટે મને એવું લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસપણે આ તમામ ઘટનાઓનો જવાબ મળશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતો ચોક્કસપણે મત દ્વારા જવાબ આપશે. આજની આ યાત્રામાં રાજકોટ જિલ્લાના તમામ ખેડૂતો જોડાય તેવી આશા વ્યક્ત કરું છું.




