
ચિંતિત પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ ઈરાન-ઈઝરાયલ યુદ્ધની જ્વાળામાં ફસાયા અનેક ગુજરાતીઓ યુદ્ધની સ્થિતિ વચ્ચે એરબેઝ બંધ હોવાથી તેઓ વતન પરત ફરી શકતા નથી.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે દુબઈ, મક્કા અને ઈઝરાયલમાં અમદાવાદ, બનાસકાંઠાના પાલનપુર, પોરબંદર સહિતના ગુજરાતીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે.
યુદ્ધના દરમિયાન પોતાના સ્વજનો વિદેશમાં ફસાતાં ચિંતિત પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે મદદની માંગણી કરી છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના પડઘા હવે છેક બનાસકાંઠાના પાલનપુર સુધી સંભળાઈ રહ્યા છે. દુબઈમાં રોજગારી અર્થે ગયેલા પાલનપુરના ૨૦ જેટલાં યુવકો હાલ ત્યાં ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે એરબેઝ બંધ હોવાથી તેઓ વતન પરત ફરી શકતા નથી. જાે કે, આ યુવાનો સુરક્ષિત હોવાનું જણાય છે, પરંતુ યુદ્ધના ભણકારાને લઈને પરિવારના જીવ અધ્ધર થઈ ગયા છે.
ફસાયેલા યુવકોના જણાવ્યા મુજબ, દુબઈમાં અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ આસપાસના વિસ્તારોમાં સંભળાતા હવાઈ હુમલાના અવાજાેથી ભયનો માહોલ સર્જાયો છે. આવી સ્થિતિમાં ચિંતિત પરિવારજનો પોતાના સંતાનોને વીડિયો કોલના માધ્યમથી સુરક્ષાની ખાતરી કરી રહ્યા છે. આ મામલે પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે મદદની માંગ કરી છે.
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે અરાજકતા અને ફ્લાઈટ્સ રદ થવાના કારણે અનેક ગુજરાતીઓ વિદેશમાં ફસાયાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મક્કામાં ઉમરાહની યાત્રામાં ગયેલા અમદાવાદીઓ પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. અનેક ફ્લાઈટ્સ રદ થતાં વતન પરત ફરતાં અનેક ગુજરાતીઓ એરપોર્ટ અટવાયા છે.
મક્કામાં ફસાયેલા લોકોનું કહેવું છે કે, ‘મક્કામાં ફસાયેલા ૫૫ જેટલાં લોકો એક હોટલમાં રોકાયા છે. યુદ્ધની સ્થિતિમાં હોટલોના ભાડામાં તોતિંગ વધારો ઝીંકી દેવાતા મુશ્કેલીમાં મૂકાયા છીએ.‘ આ મામલે ગુજરાતી પરિવારોએ ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆત કરીને તેઓના પરિવારના લોકોને પરત લાવવાની માંગ કરી છે.
પોરબંદરના ૧૦થી વધુ લોકો ઈઝરાયલમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે એક યુવકે સોશિયલ મીડિયામાં વીડિયો જાહેર કરીને માહિતી આપી હતી.




