
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
માણસના મોંમાં સામાન્ય રીતે ૩૨ દાંત હોય છે. જ્યારથી આપણે રાંધેલું ખાતા થઈ ગયા એ પછી ઉત્ક્રાંતિને કારણે એ દાંતોમાં ઘટાડો થઈ રહ્યો છે.અને પૂરેપૂરા ૩૨ સ્વસ્થ દાંત હોય એવા માણસો મળવાનું પણ હવે ઘટી ગયું છે. ત્યારે મલેશિયાના પ્રથાબ મુનિયાંડી નામના ભાઈના મોંમાં બત્રીસી કરતાય વધુ દાંત છે. ઓઇલ એન્ડ ગેસ ઈન્ડસ્ટ્રીમાં એન્જિનિયર તરીકે કામ કરતાં ૩૩ વર્ષના પ્રથાબ ને હજી છેક ૨૦૨૧ માં જ ખબર પડી હતી કે તેના મોંમાં સામાન્ય કરતાં વધુ દાંત છે. તેણે પોતાના દાંત ગણ્યા તો એ ૩૮ હતા. સ્વાભાવિક છે આટલા બધા દાંત જોઈને તેને નવાઈ લાગી. જોકે એમાં વળી તેને પેઢામાં દુ:ખાવો થવાનું શરૂ થયું.
પ્રથાબભાઈને થયું કે એક વાર બેઝિક ચેકઅપ કરાવી લેવું સારું તો ડેન્ટિસ્ટે એકસરે કરીને કહ્યુંકે તેમને જે દુ:ખાવો થઈ રહ્યો છે એ ચાર નવા દાંત ઊગી રહ્યા છે. એને કારણે છે નવાઈની વાત એ છે કે થોડા સમયમાં એ દાંત પણ ઊગી નીકળ્યા અને હવે તેમના મોંમાં દાંતોની સંખ્યા કુલ ૪૨ થઈ ગઈ છે. પ્રથાબનું કહેવું છે કે કોઈને એમ જ નથી ખબર પડતી કે તેના મોંમા ૪૨ દાંત છે. કેમકે બહારથી દેખાતા દાંતની ગોઠવણી ગીચ હોવા છતાં સુરેખ છે. આ અનોખી કુદરતી દેણ માટે થોડા સમય પહેલા જ પ્રથાબનું નામ સૌથી વધુ દાંત ધરાવતી વ્યક્તિ તરીકે ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાયું છે.




