
૫૫૦ ભારતીયોની ઘરવાપસી ઈરાન યુદ્ધ વચ્ચે સંકટમોચન બન્યો આર્મેનિયા દેશ ઈરાનથી ૫૫૦થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં સહયોગ બદલ આર્મેનિયાનો વિદેશ મંત્રીએ આભાર માન્યો અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓને કારણે ઈરાનમાં હાલત અતિ ગંભીર બની ગયા છે. બીજી તરફ તહેરાન પણ જવાબી એક્શન લઈ રહ્યું છે. જાે કે આ યુદ્ધ વચ્ચે ઘણા ભારતીયો ઈરાનમાં ફસાઈ ગયા છે. તેમણે સુરક્ષિત રીતે બહાર કાઢવા ભારત સરકાર માટે પડકારજનક બાબત છે. મધ્ય એશિયામાં તંગ સ્થિતિને કારણે ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારતીય વિદેશ મંત્રાલય રાત દિવસ એક કરી રહ્યું છે. તે વચ્ચે ઈરાનથી ૫૫૦ લોકોને સુરક્ષિત રીતે કાઢવામાં ભારતને સફળતા મળી છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયંશકરે આ માટે આર્મેનિયા સરકાર અને તેના લોકોનો આભાર માન્યો.
MEA જયશંકરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતાં લખ્યું કે, ઈરાનથી અત્યાર સુધીમાં ૫૫૦થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવામાં સહયોગ આપવા આર્મેનિયા સરકાર અને ત્યાંના લોકોનો આભાર, આ પડકારજનક સમયમાં સહયોગ આપવા માટે અમે આભારી છીએ, આ સાથે વિદેશમંત્રીએ જણાવ્યું કે આર્મેનિયા સરકારની મદદથી રેસ્ક્યૂ ઓપરેશનમાં ઘણો ફાયદો થયો.
બીજી તરફ પશ્ચિમ એશિયાની સ્થિતિ દિવસેને દિવસે વધુ તણાવપૂર્ણ બનતા વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રસેલ્સમાં સાઈપ્રસના વિદેશ મંત્રી કોન્સ્ટેન્ટિનોસ કોમ્બોસ સાથે મુલાકાત કરી, જે બાદ તેમણે કહ્યું કે, આ વાતચીતમાં અમે રણનૈતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા વિચારણા કરી. યુરોપિયન સંઘ અને ભારતના સંબંધોને આગળ વધારવા માટે સાઈપ્રસના સમર્થનની પ્રશંસા કરીએ છીએ.
એક ઈન્ટરવ્યુમાં એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે સતત વાતચીત ચાલી રહી છે. તેના પરિણામે શનિવારે ભારતીય ધ્વજ ધરાવતા બે ગેસ ટેન્કર પર્શિયન ગલ્ફમાં હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સફળતાપૂર્વક પસાર થયા હતા. જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, ભારત અને ઈરાન વચ્ચે કોઈ કાયમી સમજૂતી થઈ નથી. આ કોઈ લેણ-દેણનો મામલો પણ નથી, ઈરાનને તેના બદલામાં કશું આપવામાં આવ્યું નથી.
આ સફળતા બંને દેશો વચ્ચેના લાંબા ગાળાના સંબંધોને આભારી છે. દરેક જહાજની અવરજવર માટે અલગથી વાતચીત કરવામાં આવે છે.
જયશંકરે જણાવ્યું કે, મારી ઈરાન સાથે સતત વાટાઘાટો ચાલી રહી છે. જાે તેનું કોઈ પરિણામ મળે છે, તો સ્વાભાવિક છે કે હું તેને આગળ પણ ચાલુ રાખવાનો પ્રયાસ કરીશ. ભારતની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એ જ છે કે અમે વાતચીત કરતા રહીએ અને તાલમેલ દ્વારા સમાધાન શોધીએ. જાે તેના કારણે અન્ય દેશો માટે પણ વાતચીતનો રસ્તો ખુલી જતો હોય, તો વિશ્વ માટે તે સવર્શ્રેષ્ઠ રહેશે.




