
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે વિધાનસભા ખાતે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે 16 માર્ચના રોજ મેં વિધાનસભામાં ગુજરાત રાજ્યનો એક ગંભીર પ્રશ્ન પૂછ્યો હતો અને સરકારે એના પર જવાબ આપ્યો છે પરંતુ એ વિષય પર કોઈ ચર્ચા કરવામાં આવી નથી. 2012માં ગુજરાતની હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, “કોઈપણ વ્યક્તિનું ફિક્સ પગારના નામે શોષણ કરી શકાય નહીં અને ભારતના બંધારણ પ્રમાણે તેના પર સમાન કામ અને સમાન વેતનનો સિદ્ધાંત લાગુ પડે છે”. આ ચુકાદો ભાજપ સરકારે માની લેવાનો હતો. પરંતુ સરકારે એ હુકમને માન્યો નહીં અને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. તો એના ઘટના ક્રમમાં જ મારો સવાલ હતો કે, સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારનો કેસ લડવા સરકારે કયા કયા વકીલને રાખ્યા છે? મહેશ અગ્રવાલ, હરીશ સાલવે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, કે વિશ્વનાથન, તુષાર મહેતા, કે કે વેણુગોપાલ, નીરજ કિશન કૌલ અને મનિષાબેન એલ. શાહને સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારનો કેસ લડવા માટે રાખવામાં આવ્યા છે. આમાંથી અમુક વકીલ કોર્ટમાં હાજરી આપવાના 10-20 કરોડ રૂપિયા લે છે. ગુજરાત સરકારનું કામ સારું દેખાય એ માટે જે કર્મચારીઓ ખૂબ મહેનત કરે છે, ઓવર ટાઈમ કરે છે, રવિવારે પણ નોકરી કરે છે ભાજપની સભામાં ભીડ ભેગી કરવાનું પણ કામ કરે છે, એ સરકારી કર્મચારીઓને પૂરો પગાર આપવાની જગ્યાએ વકીલો પાછળ કરોડો રૂપિયા ભાજપની સરકાર વેડફી રહી છે, ભાજપ સરકારની આ કેવી વિકૃત માનસિકતા છે? હરીશ સાલવે, કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, તુષાર મહેતા જેવા વકીલોને શા માટે કરોડો રૂપિયા આપવામાં આવે છે?
વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, સરકારી મને જવાબ આપ્યો કે કમલ ત્રિવેદી, મુકુલ રોહતગી, તુષાર મહેતા અને મનિષાબેન એલ. શાહને એક દિવસના 2 લાખનો ભાવ નક્કી કર્યો છે, કે કે વેણુ ગોપાલને એક મુદતના પાંચ લાખ અને તેના ક્લાર્કને 50,000 અલગથી અને મહેશ અગ્રવાલને એક મદદના ત્રણ લાખ રૂપિયા આપવામાં આવે છે. 2012થી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલે છે અને અત્યારે 2026 ચાલે છે. આટલા રૂપિયા ફિક્સ પગારના કર્મચારીઓને આપ્યા હોત તો તેમની થોડી મદદ થઈ ગઈ હતી. વકીલોને કરોડો રૂપિયા આપવા માટે સરકાર પાસે પૈસા છે પરંતુ પોતાના ઘર પરિવારથી દૂર રહીને અંતરિયાળ વિસ્તારમાં પણ નોકરી કરીને સરકારનું કામ કરતા કર્મચારીને આપવા માટે ભાજપ સરકાર પાસે પૈસા નથી. મહેશ અગ્રવાલને પેપર વાંચવા માટે સરકાર એક કલાકના દસ હજાર રૂપિયા ચૂકવે છે. અરજીનો મુસદ્દો તૈયાર કરવા માટે 30000 રૂપિયા, ડ્રાફ્ટિંગનો મુસદ્દો તૈયાર કરવા માટે 30000 રૂપિયા, ડ્રાફ્ટિંગ કરવા માટે ₹50,000 અને મેન્શન કરવા માટે અલગથી દસ હજાર ચૂકવવામાં આવે છે. કરોડોનો ખર્ચો કર્મચારીની વિરોધમાં ભાજપની સરકાર કરી રહી છે. કર્મચારીઓનો શો ગુનો છે? મારે પણ સરકાર પાસેથી પૈસા લેવાના નીકળે છે કારણ કે મેં પણ એક જગ્યાએ ચાર વર્ષ અને એક જગ્યાએ ત્રણ વર્ષ એમ કુલ સાત વર્ષ ફિક્સ પગારમાં કામ કર્યું છે. તો રાજ્યની સેવા કરતા કર્મચારીને પૂરો પગાર આપવામાં આવે એવી મારી માંગણી છે.




