
દ્વારકામાં દર્શનાર્થીઓને ‘ધંતુરા’નું નશીલું પીણું પીવડાવી લૂંટતી ગેંગના બે શખ્સ ઝડપાયા ભક્તોને બેભાન કરી દાગીના અને રોકડની લૂંટ ચલાવતા ભાવનગરના બે ગુનેગારોની પોલીસે અટકાયત કરી દ્વારકાના જગત મંદિરે દર્શનાર્થે આવતા ભોળા શ્રદ્ધાળુઓને નિશાન બનાવી, તેમને નશીલું પીણું પીવડાવી લૂંટતી એક ટોળકીનો દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.
ભાવનગર જિલ્લાના બે આરોપીઓને રૂપિયા ૩.૧૪ લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચી લીધા છે.આ ગેંગ વૃદ્ધ અને નિર્દાેષ દર્શનાર્થીઓને ટાર્ગેટ કરતી હતી. આરોપીઓ સૌપ્રથમ ભક્તો સાથે મીઠી વાતો કરીને વિશ્વાસ કેળવતા અને ત્યારબાદ તેમને એકાંત સ્થળે લઈ જઈ શેરડીના રસ કે ઠંડા પીણામાં ધતુરાનો પાવડર ભેળવી પીવડાવી દેતા હતા. પીણું પીતા જ ભક્તો બેભાન થઈ જતા, જેનો લાભ ઉઠાવી આરોપીઓ તેમના શરીર પરના સોનાના દાગીના અને રોકડ લૂંટીને ફરાર થઈ જતા હતા.તાજેતરમાં હોળી-ધુળેટીના ફૂલડોલ ઉત્સવ દરમિયાન જામજાેધપુર પંથકથી આવેલા બે દર્શનાર્થીઓ આ ટોળકીનો ભોગ બન્યા હતા. તેમને ધતુરાનું પીણું પીવડાવી સોનાના ઠોરીયા અને રોકડની લૂંટ ચલાવવામાં આવી હતી. આ અંગે દ્વારકા પોલીસમાં ગુનો નોંધાતા એલ.સી.બી.ની ટીમે બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. ખંભાળિયા-પોરબંદર હાઈવે પર રેલવે ફાટક પાસેથી કાળુ અમરસી વાઘેલા (રહે. ઉમરાળા, જિ. ભાવનગર) અને હરેશ ઉર્ફે હકલો બાબુ માતાચોળીયા (રહે. માયધર, તા. પાલીતાણા)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ પાસેથી રૂપિયા ૩,૦૫,૦૦૦ના ૬ નંગ સોનાના ઠોરીયા, રૂપિયા ૬ હજારના ૨ મોબાઈલ ફોન અને રૂપિયા ૩ હજારની રોકડ મળી કુલ રૂપિયા ૩.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે છે.




