
વીજળી ગુલ અને નુકસાનના અહેવાલ જેતપુરમાં મિની વાવાઝોડું ત્રાટક્યું,ધૂળની ડમરીઓ સાથે વરસાદની તોફાની બેટિંગ આ અચાનક ત્રાટકેલા વરસાદને કારણે માર્ગો પરથી પસાર થતા લોકો સલામત સ્થળ શોધતા નજરે પડ્યા હતા રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને આસપાસના પંથકમાં આજે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા કુદરતનું તોફાની સ્વરૂપ જાેવા મળ્યું હતું. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જાેતજાેતામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન ફૂંકાતા સમગ્ર વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પવનની ગતિ એટલી તીવ્ર હતી કે જેતપુર પોલીસ સ્ટેશનનું મુખ્ય બોર્ડ પણ ધરાશાયી થઈ ગયું હતું. તોફાની પવનને કારણે વીજ લાઈનોમાં ટેકનિકલ ખામી સર્જાતા જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અંધારપટ છવાતા જનજીવન પ્રભાવિત થયું હતું.ભારે પવન અને ધૂળની ડમરીઓ બાદ જેતપુર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો. આ અચાનક ત્રાટકેલા વરસાદને કારણે માર્ગો પરથી પસાર થતા લોકો સલામત સ્થળ શોધતા નજરે પડ્યા હતા. ખેતીના પાકને પણ આ પવન અને વરસાદથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને હોર્ડિંગ્સ કે ઝાડ નીચે ઊભા ન રહેવા અપીલ કરવામાં આવી છે.




