
અખિલેશે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી.મહિલાઓને વર્ષે ૪૦ હજાર પેન્શન આપવાની અખિલેશ યાદવની જાહેરાત.અખિલેશ યાદવે મહિલા સશક્તિકરણ પર મુક્યો ભાર.આગામી વર્ષે યુપીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા તમામ રાજકીય પક્ષો હાલમાં પંચાયત ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં મહિલા મતદારોને તેમના પક્ષમાં લાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મહિલા મતદારોને ધ્યાનમાં રાખીને એક મોટી જાહેરાત કરી છે. અખિલેશ યાદવે જણાવ્યું હતું કે જાે તેમનો પક્ષ ૨૦૨૭માં સરકાર બનાવશે, તો તેઓ મહિલાઓને વાર્ષિક રૂ.૪૦,૦૦૦ પેન્શન આપશે. વધુમાં, નારી સમૃદ્ધિ સન્માન યોજના શરૂ કરવામાં આવશે.
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે જાહેરાત કરી હતી કે જાે તેમનો પક્ષ ૨૦૨૭માં ઉત્તર પ્રદેશમાં સત્તામાં આવશે, તો સમાજવાદી પાર્ટી પેન્શન યોજના હેઠળ ગરીબ મહિલાઓને વાર્ષિક રૂ.૪૦,૦૦૦ મળશે. લખનૌમાં પાર્ટીના મુખ્યાલયમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે મહિલાઓની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમનામાં વધુ આર્ત્મનિભરતાને પ્રોત્સાહન આપવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. તેમણે મહિલા કલ્યાણ અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને અગાઉની હાલની યોજનાઓ ફરી શરૂ કરવાની તેમજ નવી પહેલો શરૂ કરવાની વાત પણ કરી.
અખિલેશ યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓ સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે તેમની પ્રગતિ અનિવાર્ય છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે તેમની પાર્ટી મહિલાઓને સન્માન અને ટેકો આપવા માટે રાણી લક્ષ્મીબાઈ યોજના જેવી યોજનાઓને પુનર્જીવિત કરવાની યોજના ધરાવે છે.
તેમણે સામાજિક અને આર્થિક સમાનતા સુનિશ્ચિત કરવા માટે નવા કાર્યક્રમો શરૂ કરવાની પણ વાત કરી હતી, ખાસ કરીને સમાજના નબળા વર્ગની મહિલાઓ માટે. તેમના મતે મહિલાઓનું સશક્તિકરણ રાજ્યના ભવિષ્યને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
અખિલેશ યાદવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને નાગરિકો ખાસ કરીને મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે રાજકીય હેતુઓ માટે વહીવટી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. અખિલેશ યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકારમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી પરિસ્થિતિ સુધરશે નહીં. તેમણે પોતાના દાવાઓને સમર્થન આપવા માટે તાજેતરની ગુનાહિત ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો.




