
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે સરકાર યુસીસી બિલ લાવી રહી છે અને એનો જશ લેવા માટે તેઓ થનગની રહ્યા છે. આઝાદી બાદ બંધારણ સભામાં 23/11/1948ના રોજ UCC બાબતે ચર્ચા કરવામાં આવી હતી. બાદમાં તેની કલમ 44 અસ્તિત્વમાં આવી અને રાજ્યને વિચારણા હેઠળ એ કલમ મુકવામાં આવી. દેશનું બંધારણ આપણને સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય રીતે સ્વતંત્રતા આપે છે. કેટલાક સમુદાયોના વ્યક્તિગત અને કેટલાક સમુદાયોના સામાજિક કાયદાઓ છે અને એ અંતર્ગત લગ્ન-છૂટાછેડા, વારસાઈ, ભરણપોષણ, દત્તક પ્રથા જેવા કામો થાય છે. મારો કહેવાનો મતલબ એ છે કે ફોજદારી કાયદા હોય કે દીવાની કાયદા હોય, તે દેશ અને રાજ્યમાં ચાલે જ છે, હવે સરકાર કહે છે કે એક લાકડીથી આખું રાજ્ય ચાલવું જોઈએ. અમારું માનવું એ છે કે જો સરકાર તમામ લોકો માટે તમામ કાયદો લાવવા માંગે છે તો સમાનતાની ધારા કેમ લાવતા નથી? આ બિલ લાવવાથી સામાજિક સમરસતા થઈ જશે? શું આ બિલ લાવવાથી રાષ્ટ્રીય ભાવના મજબૂત બનશે? લઘુમતી સમુદાયના લોકોને ઠેસ પહોંચાડીને આપણી રાષ્ટ્રીયતા સાબિત કરવાના પ્રયાસો આજે ગુજરાત સરકાર કરી રહી, અમે એની નિંદા કરીએ છીએ અને અમે એનો વિરોધ પણ કરીએ છીએ.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, હવે આ નિયમ પ્રમાણે લગ્નના 30 દિવસમાં લગ્નની નોંધણી કરાવી પડશે અને જો નોંધણી નહીં કરાવો તો દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આજે બેંકોમાં, મામલતદાર કચેરીમાં, તાલુકા કચેરીમાં અને હવે પેટ્રોલ પંપ પર પણ આપણે ખૂબ જ લાઈનો જોઈ રહ્યા છીએ, તો લોકો લગ્ન કરીને હવે નોંધણી માટે લાઈનોમાં ઊભા રહેશે? હવે આ નિયમમાં કહી રહ્યા છે કે કોર્ટમાંથી જ છુટાછેડા થશે, જ્યારે આજે કોર્ટમાં 10-15 વર્ષ સુધી લોકોના છૂટાછેડાના કેસ ચાલતા હોય છે, તો શું બધા સમુદાયના લોકો કોર્ટના માધ્યમથી જ છુટાછેડા લેવા જશે? લિવ-ઈન માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત કરવામાં આવ્યું છે, તો આ લિવ-ઈન દરમ્યાન કોઈ બાળક પેદા થશે તેને લઈને શું જોગવાઈ છે? જો હોય તો કહેવા માંગીશ કે ગુજરાત સરકાર આ બિલને લઈને ઉતાવળ કરી રહી છે. સમાન નાગરિક સંહિતાની કમિટી આખા ગુજરાતમાં ફરી હતી ત્યારે ગુજરાતના તમામ વર્ગના લોકોએ વિરોધ નોંધાયો હતો. મોટાભાગે લોકો વિરોધમાં હોવા છતાં પણ બિલ પસાર થઈ રહ્યું છે માટે મને લાગે છે કે ઉતાવળનું પગલું છે. ભાજપની મૂળ સ્થાપના જનસંઘથી થઈ, અને જનસંઘના મેનીફેસ્ટોમાં શરૂઆતથી જ સમાન નાગરિક સંહિતાની વાત કરી હતી. 1984, 1989થી 2019 સુધીના મેનીફેસ્ટો જોશો તો તેમણે હંમેશા સમાન નાગરિક સંહિતા ધારો લાગુ કરવાની વાત કરી છે. તો આજે આરએસએસ દબાણ કરી રહ્યું છે કે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરો માટે ભાજપ ઉતાવળ કરી રહી છે.
ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ લોકો કહી રહ્યા છે કે આદિવાસી સમાજ પર સમાન નાગરિક સંહિતા લાગુ નહીં થાય તો પછી આ સમાન નાગરિક સંહિતાનો શું અર્થ? ગઈ વખતે આદિવાસી સમાજના તમામ સંગઠનો એ આ નિયમનો વિરોધ કર્યો માટે અત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખી આદિવાસી સમુદાયને આ કાયદામાંથી બહાર રાખવામાં આવી રહ્યો છે, પણ આવનારા દિવસોમાં આમાં સુધારો લાવવામાં આવશે અને આદિવાસી સમાજને પણ આમાં સમાવેશ કરશે એવી અમને ભીતી છે. જો આવું ક્યાંય પણ અમને દેખાયું તો અમે આ કાયદાનો સખત વિરોધ કરીશું અને આ કાયદો રદ્દ થાય એની પણ અમે હાકલ કરીશું. જ્યારે ગૃહમાં કાયદો આવશે ત્યારે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. સમાન નાગરિક સંહિતા લાગુ કરવું હોય તો પહેલા સમાનતા ઊભી કરવી પડશે અને બધા જ લોકોના ધર્મ-જાતિ અને વ્યક્તિગત જે પણ પ્રાવધાન બંધારણમાં મળ્યા છે, એને બધા જ લોકોએ માન સન્માન આપવું પડશે એવું હું માનું છું.




