
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણા ભારત દેશમાં ગાયને માતાનો દરજ્જો આપણે એની પવિત્ર પ્રાણી તરીકે પૂજા કરી ધન્યતા અનુભવીએ છીએ. ગાયનું માત્ર દૂધ જ નહીં એનું છાણ પણ બહુ મૂલ્યવાન હોય છે. એતો પૂરો દેશ જાણે છે. પરંતુ રસ્તામાં પડેલા કચરામાંથી આચરકુચર ખાતી ગાયોના પેટમાં થતી પથરી પણ મોંઘેરી છે. જેમ માણસોના શરીરમાં પથરી પેદા થાય એવું જ ગાયોમાં પણ થાય છે. જોકે ગાયોને પથરી થઈ છે એનું ન તો નિદાન થાય છે કે ન એની કોઈ સારવાર. જો કે ગાય જ્યારે મરી જાય ત્યારે અથવા તો કતલખાનામાં લઈ જવાય ત્યારે તેના શરીરમાંથી પથરી નીકળે છે.
મોટાભાગે કતલખાનાઓ પણ ગાયના પેટમાંથી નીકળતી પથરીને કચરો જ સમજી લે છે. પરંતુ ચીન અને અન્ય દેશોમાં એની બહુ મોટી કિંમત છે. આ પથરી દુનિયાની સૌથી મોંઘી ચીજોમાં ગણાય છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં એની કિંમત૧૦ ગ્રામના ૨. ૫૦ લાખ રૂપિયા( અઢી લાખ રૂપિયા) જેટલી થઈ ગઈ છે. એને કારણે ગાય અને દુધાળા ઢોરોનું મીટ વેચતી ઇન્ડસ્ટ્રી માટે પથરી સૌથી કિંમતી બાય-પ્રોડક્ટ બની ગઈ છે.
ચીન અને હોંગકોંગમાં એની સૌથી વધુ ડિમાન્ડ છે કેમકે અહીં યુનાની દવાઓમાં એ વપરાય છે.નિયુ હુઆંગ તરીકે ઓળખાતી ચીની દેવામાં એ મહત્વનો ભાગ ભજવે છે. એનો ઉપયોગ સ્ટ્રોક, હાઈ બ્લડપ્રેશર અને હૃદયની બીમારીઓની દવા બનાવવામાં થાય છે.
પથરી દરેક ગાય માં હોય જ એવું જરૂરી નથી. બ્રાઝિલ જેવા દેશોમાં તો ગાયોનું પથરી માટે ખાસ સ્ક્રિનિંગ કરવામાં આવે છે. અને જેમાં પથરી જોવા મળે એવી ગાયોની ડિમાન્ડ પણ વધી જાય છે. અલબત્ત જો જીવતી ગાયમાં પથરી હોવાનું જાણવા મળે તો પણ એને માત્ર પથરી માટે મારી નથી નાંખવામાં આવતી. પ્રાણીનાં નિષ્ણાંતો સર્જરી કરીને એને કાઢી નાંખે છે જેથી ગાયો પણ પીડા મુકત જીવન જીવી શકે છે.




