
અમદાવાદ મંડળ, પશ્ચિમ રેલવે દ્વારા જાણ કરવામાં આવે છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. 31 માર્ચ, 2026ના રોજ ગુજરાત રાજ્યમાં ₹891 કરોડના ખર્ચે વિવિધ મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત ખેડબ્રહ્મા – હિંમતનગર – અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવાનો શુભારંભ તેમજ ખેડબ્રહ્મા – હિંમતનગર રેલખંડનું રાષ્ટ્રને સમર્પણ સામેલ છે.
આ જ ક્રમમાં, આજે તા. 28 માર્ચ, 2026ના રોજ ખેડબ્રહ્માથી વડાલી સુધીનું સફળતાપૂર્વક ₹10ના મૂલ્યની ટેસ્ટ ટિકિટ જારી કરીને પરિચાલનની પરીક્ષણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી, જે આ નવી રેલ સેવાના શુભારંભની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ પરીક્ષણ યાત્રીઓ માટે ટિકિટિંગ વ્યવસ્થા, પરિચાલન પ્રણાલી અને સુવિધાઓની તૈયારીઓનું સફળ મૂલ્યાંકન દર્શાવે છે.
તા. 31 માર્ચ, 2026ના રોજ નવી ટ્રેન સેવાના શુભારંભ પૂર્વે, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો તથા અન્ય જનપ્રતિનિધિઓ દ્વારા 11મી સદીના પ્રાચીન બ્રહ્મા મંદિર ખાતે પૂજા-અર્ચના કરવામાં આવશે અને ત્યારબાદ રેલવે સ્ટેશન પર પણ વિધિવત પૂજન કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે.
ખેડબ્રહ્મા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું એક પ્રાચીન અને પવિત્ર ધાર્મિક નગર છે, જેને બ્રહ્મક્ષેત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળ ભગવાન બ્રહ્મા, ઋષિ ભૃગુ અને મા અંબિકા સાથે જોડાયેલ શ્રદ્ધાનું મહત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. અહીં આવેલું પ્રખ્યાત અંબાજી મંદિર, જેને સ્થાનિક સ્તરે “નાના અંબાજી” તરીકે ઓળખવામાં આવે છે, તે વિસ્તારની ગ્રામદેવી તરીકે પૂજાતી મા અંબિકાને સમર્પિત છે. આ મંદિર તેની પ્રાચીનતા, આધ્યાત્મિક મહત્વ અને સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને કારણે વિશિષ્ટ ઓળખ ધરાવે છે.
મંદિરની સ્થાપત્ય શૈલી પરંપરાગત મારુ-ગુર્જર શૈલીમાં નિર્મિત છે, જેમાં નકશીદાર સ્તંભ, ગર્ભગૃહ અને શાંત પરિસર દર્શનીય છે. ઐતિહાસિક માન્યતાઓ અનુસાર આ સ્થળ તે સ્થાન છે જ્યાં ભગવાન બ્રહ્માએ યજ્ઞ કર્યો હતો તેમજ દેવી અંબિકાએ અસુરોનો સંહાર કરીને સાધુઓની રક્ષા કરી હતી। ત્યારથી આ સ્થળ એક મુખ્ય શક્તિ ઉપાસના કેન્દ્ર તરીકે વિકસ્યું છે.
મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ, શ્રી વેદ પ્રકાશે જણાવ્યું કે આ નવી રેલ સેવા ન માત્ર વિસ્તારના યાત્રીઓને સુવિધા પૂરી પાડશે, પરંતુ ધાર્મિક પ્રવાસન, સ્થાનિક વેપાર તેમજ સામાજિક-આર્થિક વિકાસને પણ નવી ગતિ આપશે.




