
આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે દેહગામના ખેડુતો અને પશુપાલકો દ્વારા આજે સાંજે 8: 30 કલાકે દહેગામના કડજોદરા મુકામે એક જન સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દેહગામના ખેડુતો અને પશુપાલકોની એક જ માંગણી છે — “વાદ નહીં, વિવાદ નહીં અને મધુર સિવાય વાત નહીં”. તેમણે જણાવ્યું કે દહેગામના ખેડુતો અને પશુપાલકોની સંકલન સમિતિ દ્વારા આ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખેડુતો અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ આંદોલન સંપૂર્ણપણે નિષ્પક્ષ અને નિઃસ્વાર્થ છે, અને તમામ લોકોને હાજરી આપવા માટે આવાહન કરવામાં આવ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે આ આંદોલનમાં ભાગલા પાડવા માટે કેટલાક લોકો દ્વારા રાજકીય ચાલો રમાઈ રહી છે અને ભ્રમ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખોટા મેસેજ વાયરલ કરીને લોકોને ભટકાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે, જેમાં સરપંચ એસોસિએશનનું નામ પણ જોડવામાં આવ્યું છે. તેમણે માંગણી કરી કે જો સરપંચ એસોસિએશન આ વાત સાથે સંમત ન હોય, તો તેઓ ખુલ્લેઆમ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે. તેમણે દહેગામના તમામ જનપ્રતિનિધિઓ, તાલુકા-જિલ્લા સ્તરના આગેવાનો તેમજ વિધાનસભાના પ્રતિનિધિઓને પણ આ સમ્મેલનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. તેમણે જણાવ્યું કે જે કોઈ ખરેખર દહેગામના ખેડુતો અને પશુપાલકોના હિતમાં હોય, તે તમામે હાજર રહી સહયોગ આપવો જોઈએ.
આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યુ હતુ કે ભૂતકાળમાં કેટલાક લોકોએ ખેડુતોને વિશ્વાસઘાત કર્યો છે, છતાં તેઓ પણ ઉપસ્થિત રહી શકે છે. અનેક રાજકીય આગેવાનો અગાઉ મોટા મોટા વચનો આપતા હતા, પરંતુ આજે ખેડુતો અને પશુપાલકોને ભ્રમિત કરી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું કે આ આંદોલન દહેગામ પશુપાલક સમિતિ દ્વારા સંચાલિત છે અને તેના તમામ સભ્યો સ્ટેજ પર ઉપસ્થિત રહેશે. દહેગામના જે પણ લોકો ખેડુતો અને પશુપાલકોના હિતમાં છે, તેઓએ આ સમ્મેલનમાં હાજરી આપવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે જો કોઈ જનપ્રતિનિધિ પોતાની જવાબદારીમાંથી બચવા માગતો હોય, તો તે તેમની પસંદગી છે, પરંતુ જો તેઓ ખરેખર દેહગામના લોકોના હિતમાં હોય, તો તેઓએ પોતાની હાજરી આપી જવાબદારી નિભાવવી જોઈએ. આંદોલન લાંબુ ચાલવાનું હોવાનું જણાવી તેમણે કહ્યું કે આ લડત વધુ મજબૂત બને તે માટે સૌનો સહકાર જરૂરી છે. દહેગામના પશુપાલકોની એક જ માંગણી છે કે તેઓ પોતાનું દૂધ માત્ર મધુર ડેરીમાં જ મોકલવા માગે છે. દહેગામ ગાંધીનગરનો અવિભાજ્ય ભાગ હોવાથી જિલ્લાના ધોરણે દૂધ લેવામાં આવવું જોઈએ. તેમણે જણાવ્યું કે ગુજરાત તેમજ ભારતભરમાં દૂધ મંડળીઓમાં સ્થાનિક સ્તરે દૂધ સ્વીકારવાના નિયમો છે, ત્યારે દહેગામ સાથે ભેદભાવ કેમ રાખવામાં આવે છે તેનો જવાબ જનપ્રતિનિધિઓ અને ડેરીના અધિકારીઓએ આપવો જોઈએ. તેમણે જણાવ્યું કે જે કોઈ પણ આ મુદ્દે આવવા માગે છે, તેમને ખુલ્લું આમંત્રણ છે. છેલ્લા ઘણા સમયથી દૂધ વેડફાઈ રહ્યું છે, જો કોઈને આ બાબતે ચિંતા હોય તો તેઓએ આજે સાંજે હાજરી આપીને પોતાનો સહયોગ આપવો જોઈએ.




