
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ અને જાણીતા ખેડૂત નેતા પ્રવીણ રામે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે સરકાર ખેડૂતો માટે મસમોટી જાહેરાતો કરે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર તેનું અમલીકરણ થતું હોય તેવું દેખાતું નથી. તાજેતરમાં સરકારે આઈ-ખેડૂત પોર્ટલની વેબસાઈટની શરૂઆત કરી અને ખેત ઓજારો માટે ખેડૂત અરજી કરી શકે તેના માટે એક મહિનાની અવધિ આપી છે. પરંતુ દુઃખની વાત એ છે કે છેલ્લા પાંચ દિવસથી શરૂ થયેલી આ વેબસાઈટ શરૂઆતના ત્રણ દિવસમાં તો ખુલી જ નહીં, એ મુદ્દે મને ઘણા ખેડૂતોના ફોન પણ આવ્યા છેલ્લા બે દિવસથી ક્યાંક આ વેબસાઈટ ઓપન થઈ રહી છે પરંતુ પ્રિન્ટ નીકળતી નથી, તો હવે ખેડૂત કરે તો શું કરે?
ખેડૂત નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેતીના કામ છે, બીજા કોઈ કામ છે, તો ખેડૂત આ બધા કામ કરે કે પછી વારંવાર આઈ-ખેડૂત પોર્ટલમાં અરજી કરવા માટે ધક્કા ખાય? ક્યાંકને ક્યાંક સરકાર માત્ર ચૂંટણીલક્ષી જાહેરાતો કરે છે. એક મહિનામાંથી પાંચ દિવસ તો જતા જ રહ્યા અને એમાં પણ ખેડૂતોએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. મને લાગી રહ્યું છે કે ચૂંટણીઓ આવી રહી છે માટે ક્યાંકને ક્યાંક ખેડૂતોને ભરમાવા માટે આવી જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ આ જાહેરાતોનું કોઈ અમલીકરણ થતું નથી. તો સરકાર સમક્ષ મારી નમ્ર અપીલ પણ છે અને ઉગ્ર માંગ પણ છે કે તાત્કાલિક ધોરણે આઇ-ખેડૂત પોર્ટલમાં જે પણ પ્રશ્ન હોય તે પ્રશ્નોનું સમાધાન લાવે અને પોર્ટલ ઝડપથી કામ કરે એવી વ્યવસ્થા કરે.




