
ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ સત્તાવાર રીતે 10 સભ્યોની ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. આ ચૂંટણી સમિતિમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું આવનારું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો છે અને ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. અંદાજે માર્ચના અંત સુધીમાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મજબૂતીથી અને એકલા હાથે તમામ બેઠકો પર ચૂંટણી લડવા માટે પ્રતિબદ્ધ છે. સંગઠનાત્મક કાર્ય સતત ચાલુ છે. SIR પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને નવી મતદાર યાદી જાહેર થઈ છે. મતદાર યાદીમાં જરૂરી સુધારાઓની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. તેથી હવે ચૂંટણીઓ માટે લાંબી રાહ જોવાની જરૂર નથી. ચૂંટણી માટે મજબૂત તૈયારીના ભાગરૂપે, રાષ્ટ્રીય કાર્યકારિણી અને પીએસીની મંજૂરીથી ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે. અરવિંદ કેજરીવાલજીના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાતના પ્રભારી ગોપાલ રાય, સહ-પ્રભારી દુર્ગેશ પાઠક અને સહ-પ્રભારી ગુલાબસિંહ યાદવ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિ જાહેર કરવામાં આવી છે.
AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ ચૂંટણી સમિતિ કુલ દસ સભ્યોની છે. સમિતિના અધ્યક્ષ તરીકે ઇસુદાનભાઈ ગઢવી રહેશે. અન્ય સભ્યોમાં ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા, મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ, સાગરભાઈ રબારી, રાજુભાઈ સોલંકી, રાકેશભાઈ હિરપરા અને સામતભાઈ ગઢવીનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પાર્ટી દ્વારા સાત ઝોનમાં સંગઠનાત્મક માળખું બનાવવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત, સૌરાષ્ટ્ર ઝોન-૧, સૌરાષ્ટ્ર ઝોન-૨, દક્ષિણ ગુજરાત અને કચ્છ ઝોન. દરેક ઝોનમાં ઝોનલ સમિતિ રચાશે, જેમાં ઝોનલ અધ્યક્ષ, ઝોનલ પ્રભારી, સહ-પ્રભારી, લોકસભા પ્રભારી, સહ-પ્રભારી, સહયોગી, જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ, વિધાનસભા પ્રભારી અને સહયોગી જેવા પદાધિકારીઓનો સમાવેશ રહેશે. ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારોની પસંદગી અને જીત માટેની વ્યૂહરચના બે સ્તરે કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ઝોનલ સમિતિઓ સંભવિત ઉમેદવારોની સ્ક્રૂટિની કરશે અને યોગ્ય નામો પ્રદેશ સ્તરની સમિતિને મોકલશે. ત્યારબાદ પ્રદેશ સમિતિ દ્વારા વિગતવાર સમીક્ષા કરીને અંતિમ યાદી રાષ્ટ્રીય કાર્યકારિણી અને પીએસી સમક્ષ મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 2027ની વિધાનસભાની ચૂંટણી માટે સેમિફાઇનલ સમાન છે. આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં મજબૂત પ્રદર્શન કરશે અને ઇમાનદાર રાજનીતિને આગળ વધારશે. આજે તમામ સમિતિઓની જાહેરાત કરીને ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે અને આગામી એક મહિનામાં તમામ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરીશું.




