
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક વિડિઓના માધ્યમથી ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં અખબારમાં સમાચાર આવ્યા હતા કે પોલીસે પકડેલા ડ્રગ્સમાંથી અંદાજે 35 ટકા મુદ્દામાલ ગાયબ થઈ ગયો છે, જેની કિંમત અંદાજે ૨૫થી ૩૦ હજાર કરોડ રૂપિયા થાય છે. આ મામલે જ્યારે CAG દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે પોલીસે જવાબ આપ્યો કે ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા છે. સાથે જ અન્ય એક ઘટનામાં પોલીસે પકડેલું અફીણ પોલીસ સ્ટેશનમાં ઓગળી ગયું હોવાનું પણ સામે આવ્યું છે. અદાલતે જ્યારે નાશ કરવા કહ્યું ત્યારે ૩૮ કિલોમાંથી માત્ર ૨ કિલો જ અફીણ નાશ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું. ગોપાલ ઇટાલિયાએ આ બાબતને અત્યંત શંકાસ્પદ ગણાવી કહ્યું કે પોલીસ સ્ટેશનોમાં મુદ્દામાલની ચોરી, ગેરવહીવટ અથવા ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો હોવાની શક્યતા નકારી શકાય નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે દારૂ, ડ્રગ્સ અને અફીણ જેવા મુદ્દામાલમાં ત્રણ સ્તરે ચોરી થતી હોવાનો આક્ષેપ છે,પહેલા પકડતી વખતે ઓછી માત્રા દર્શાવવામાં આવે છે, પછી નાશ વખતે વધુ ઘટાડી દેવામાં આવે છે અને ત્રીજા તબક્કે કેસમાં આરોપીઓને બચાવવા માટે ગેરરીતિઓ થાય છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં કટાક્ષ કરતાં જણાવ્યું કે જો પોલીસ સ્ટેશનમાં ડ્રગ્સ ઉંદર ખાઈ જાય છે તો પછી ત્યાં પડેલા વાહનોના ટાયર, સીટ કવર, સ્ટિયરિંગ અને અન્ય ભાગો પણ ઉંદર ખાઈ જાય તેવી વાતો સામે આવવી જોઇએ. જે હકીકતમાં ચોરી અથવા ગેરવેચાણ તરફ સંકેત કરે છે. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ દ્વારા જ મુદ્દામાલ તરીકે જપ્ત કરાયેલ દારૂ, ડ્રગ્સ અને અફીણનું ગેરવેચાણ થતું હોવું ખૂબ જ ગંભીર બાબત છે. તેમણે સરકારને સવાલ કર્યો કે આવી ગંભીર ગેરરીતિઓ સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે અને માત્ર ઉંદર ખાઈ ગયા જેવા જવાબથી સંતોષ કેમ માનવામાં આવે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો કોઈ વ્યક્તિને કોઈ વસ્તુ રાખવા આપીએ અને તે પાછી માંગીએ ત્યારે ઉંદર ખાઈ ગયા એવો જવાબ આપે તો તે સ્વીકાર્ય ન હોય. તેમણે ગુજરાતની જનતાને અપીલ કરી કે આ મુદ્દાને રાજકારણથી ઉપર ઉઠીને વિચારવો જોઈએ, કારણ કે આ માત્ર કોઈ એક પક્ષનો નહીં પરંતુ સમગ્ર રાજ્યની કાનૂની વ્યવસ્થા અને વિશ્વસનીયતાનો પ્રશ્ન છે. તેમણે અંતમાં જણાવ્યું કે દારૂબંધી ધરાવતા ગુજરાતમાં જો પોલીસ સ્ટેશનોમાંથી જ આ પ્રકારના ગેરવહીવટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી રહી છે તો તે અત્યંત ચિંતાજનક છે અને સરકારએ તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ. ગૃહમંત્રી આટલા કડક સ્વભાવના છે છતાં પણ 35% ડ્રગ્સ ગાયબ થઈ ગયું, જો ગૃહમંત્રી આટલા કડક ન હોત તો?




