
આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના ઈશારે ડીજી, આઈજી અને એસપી કક્ષાના આઈપીએસ પોલીસ અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ તેમજ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઉમેદવારી નોંધાવનારાઓને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કાર્યકરોના ઘરે જઈને તેમને દબાણ કરવામાં આવે છે, રસ્તામાં રોકીને અટકાયત કરવામાં આવે છે અને ખોટી એફઆઈઆર નોંધાવીને તેમને જેલમાં મોકલવામાં આવે છે. આ પરિસ્થિતિને તેમણે ઇમરજન્સી જેવી સ્થિતિ તરીકે વર્ણવી છે. ’આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે આ ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી આ મુદ્દે ધ્યાન દોર્યું છે. પત્રમાં જણાવ્યું છે કે લોકશાહીમાં દરેક રાજકીય પક્ષના કાર્યકરોને જનતા વચ્ચે જઈને ચૂંટણી લડવાનો સંવિધાનિક અધિકાર છે, તેથી ચૂંટણી નિષ્પક્ષ અને પારદર્શક રીતે યોજાય તે માટે મુખ્યમંત્રી દ્વારા પોલીસને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે અને ચૂંટણી પંચને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવે.
’આપ’ ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતની જનતાને અપીલ કરી કે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હારનો ડર સતાવતો હોય ત્યારે સત્તાધારી પક્ષ દ્વારા આ પ્રકારની કાર્યવાહી ખૂબ જ ચિંતાજનક છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ લોકોનો અવાજ બનવાનો પ્રયાસ કરી રહ્યા છે અને મજબૂત વિપક્ષ તરીકે ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે તેમને અને તેમના પરિવારજનોને હેરાન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે ભાજપ સરકાર ચૂંટણી જીતવા માટે ગેરરીતિઓ અપનાવી રહી છે, જે લોકશાહી માટે ખતરનાક છે. તેમણે જનતાને અપીલ કરી કે સૌ સાથે મળીને સંવિધાનને બચાવવા, લોકશાહીને જીવંત રાખવા અને ચૂંટણી પારદર્શક રીતે યોજાય તે માટે એકજૂટ થઈને આ પ્રકારની પોલીસ હેરાનગતિ સામે લડવું જરૂરી છે. તેમણે અંતમાં જણાવ્યું કે આમ આદમી પાર્ટી આંદોલનમાંથી ઊભી થયેલી પાર્ટી છે અને અમે ખોટી એફઆઈઆર, પોલીસ તપાસ અથવા દબાણથી ડરવાના નથી. જ્યારે જનતા જાગશે ત્યારે દરેક જવાબદાર વ્યક્તિને તેનો જવાબ આપવો પડશે. આ માત્ર આમ આદમી પાર્ટીનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર ગુજરાતની છ કરોડ જનતાનો પ્રશ્ન છે. તેથી તમામ જનતાને અપીલ છે કે તેઓ જાગૃત બની આ ન્યાયની લડતમાં સહભાગી બને.




