
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે શિક્ષા વ્યવસ્થાની બરબાદીના મુદ્દા પર સમગ્ર દેશમાં Gen-Alpha જનરેશનના બાળકો આંદોલિત છે અને GenZ જનરેશનના યુવાનો પણ શિક્ષા વ્યવસ્થાને લઈને જ ખૂબ જ ચિંતામાં છે. ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ શિક્ષણ વ્યવસ્થા તદ્દન ખાડે ગઈ છે, પ્રાઇવેટ શાળાઓ લૂંટવા સિવાય અને પૈસા ઉઘરાવવા સિવાય બાળકોના વિકાસ પર કોઈ ધ્યાન આપતી નથી. હમણાં PGI 2.0 (કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય) નો એક સર્વે આવ્યો. આ સર્વેમાં ગુજરાતને 1000 માંથી માત્ર 600 જેટલા પોઇન્ટ મળ્યા છે એટલે કે ગુજરાતનું શિક્ષણનું સ્તર ફક્ત 60 ટકા છે. પાંચ વર્ષ પહેલા ગુજરાતનું સ્તર પાંચમા નંબરે હતું, ત્યાંથી નીચે આવીને હવે ગુજરાતનો નંબર 15 માં સ્થાને આવી ગયો છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, બીજી તરફ આમ આદમી પાર્ટીની પંજાબની સરકારે ફક્ત ચાર વર્ષના ગાળામાં જ નીતિ આયોગના રિપોર્ટમાં જે 26 માં નંબરનું રાજ્ય હતું એ આજે નંબર 1 રાજ્ય બની ગયું છે. જ્યારે સારી નિયત હોય, સાચી નીતિ અપનાવવામાં આવે તો આવા કામ થતા હોય છે. બાળકોને આગળ લઈ જવાનું અને દેશને વિશ્વગુરુ બનાવવાનું સાચા અર્થમાં સપનું સાકાર કરવાનું હોય તો પંજાબ સરકારે જે કરી બતાવ્યું એ ગુજરાત સરકારે પણ કરી બતાવવું જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં માત્રને માત્ર લોકોને લૂંટવામાં આવે છે અને લોકોને ડરાવી ધમકાવીને સત્તા કાયમ રાખવાનું કામ ગુજરાતની સરકાર કરી રહી છે. થોડા દિવસ પહેલા આપણે ડ્રોપ આઉટ રેશિયો પણ જોયો જેમાં ધોરણ 12 સુધી પહોંચીને બાળક પોતાનો અભ્યાસ છોડી દે છે. તો ગુજરાતની આ સ્થિતિ ગંભીર છે, ભાજપને સત્તાનો નશો છે એટલા માટે જ એ લોકોએ ગુજરાતમાં સૌથી મોટું પાપ કર્યું છે અને એ પાપ છે કે ગુજરાતના બાળકોનું શિક્ષણ છીનવી લેવાનું પાપ. આ ઘોર પાપ કરવા માટે આ લોકોને માફ કરી શકાય એમ નથી.




