
અમદાવાદમાં સાયબર ક્રાઇમના બે કિસ્સા નવરંગપુરામાં આઈટી એન્જિનિયર યુવતીને બ્લેકમેલ કરવામાં આવી પાલડીમાં એકાઉન્ટન્ટ પાસેથી ૩૦ લાખ પડાવ્યા અમદાવાદમાં ઓનલાઇન ઠગાઈ અને સાયબર ક્રાઇમના બે ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. પહેલા કિસ્સામાં નવરંગપુરા વિસ્તારની IT એન્જિનિયર યુવતીને ઓનલાઇન રાઇડના માત્ર ૭૭ રૂપિયાના વિવાદ બાદ ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી બદનામ કરવાની ધમકી આપી ૭૭ હજાર રૂપિયા અને આઇફોનની માગણી કરાઈ છે. જ્યારે બીજા કિસ્સામાં પાલડીની ખાનગી કંપનીના એકાઉન્ટન્ટ પાસેથી બોસના નામે વોટ્સએપ પર મેસેજ કરી ૩૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા છે. બંને બનાવો અંગે પોલીસે ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી છે.
નવરંગપુરામાં રહેતી અને IT એન્જિનિયર તરીકે કામ કરતી યુવતીએ ગત ૨૩મી મેના રોજ ઓનલાઇન બાઇક રાઇડ મારફતે પાર્સલ મોકલ્યું હતું. ૭૭ રૂપિયાનું ભાડું ઓનલાઇન ચૂકવ્યા બાદ પણ ડિલિવરી બોયે પૈસા ન મળ્યાની જીદ પકડી ઘર સુધી આવી ગેરવર્તન કર્યું હતું.
યુવતીએ ફરિયાદ નોંધાવ્યા બાદ ૨૬મી મેથી તેના ફોન પર અઢળક ઓટીપી (OTP) આવવા લાગ્યા હતા.
આરોપીએ યુવતીના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી ફોટા સાથે અશ્લીલ લખાણ મૂક્યું હતું તેમજ ઓફિસના ઇમેઇલ પર પણ બિભત્સ શબ્દો વાપર્યા હતા. યુવતીએ આ ફેક આઇડી ચલાવનારનો સંપર્ક કરતાં, આરોપીએ માફી માગવાના બદલામાં ૭૭ હજાર રૂપિયા રોકડા અને એક આઇફોન માગ્યો હતો. પૈસા ન આપે તો મિત્રોને ફોટા મોકલી બદનામ કરવાની ધમકી આપી હતી. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પાલડીમાં આવેલી એક ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા નિકુંજ ગાંધી (રહે. ગાંધીનગર) સાથે વોટ્સએપ પર ઠગાઈ આચરવામાં આવી છે. સાયબર ગઠિયાએ નિકુંજના બોસ વિનોદનો ફોટો (DP) વોટ્સએપ પર રાખીને મેસેજ કર્યો હતો.
ગઠિયાએ પોતે અગત્યની મીટિંગમાં વ્યસ્ત હોવાનું કહી એક પાર્ટીને તાત્કાલિક પેમેન્ટ આપવાનું બહાનું બતાવ્યું હતું. તેણે એકાઉન્ટન્ટ પાસેથી દૈનિક લિમિટ જાણીને કુલ ૩૦ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
૩૦ લાખ રૂપિયા પડાવ્યા બાદ આરોપીએ વધુ ૨૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. આ વધારાની રકમ માટે ચેક પર સહી કરાવવા નિકુંજ જ્યારે બોસ પાસે રૂબરૂ ગયા ત્યારે તેણે આવો કોઈ મેસેજ ન કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોતે છેતરપિંડીનો ભોગ બન્યાનું માલૂમ પડતાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.




