
નવા કાયદામાં મોટો ફેરફાર! નોકરી છોડો કે છીનવાઈ જાય તો હવે ૪૫ નહીં ૨ દિવસમાં થશે સેટલમેન્ટ કંપનીએ ૪૮ કલાકમાં જ હિસાબ પૂરો કરવો પડશે દેશમાં નવા લેબર કોડના અમલીકરણ સાથે નોકરી કરતા લોકો માટે એક અત્યંત રાહતના સમાચાર આવ્યા છે. સામાન્ય રીતે અત્યાર સુધી જ્યારે કોઈ કર્મચારી નોકરી છોડે અથવા તેને છૂટો કરવામાં આવે, ત્યારે તેના બાકી નીકળતા પૈસા એટલે કે ‘ફૂલ એન્ડ ફાઇનલ‘(FnF) સેટલમેન્ટ માટે ૪૫થી ૯૦ દિવસ સુધી રાહ જાેવી પડતી હતી. આ લાંબા વેઇટિંગ પિરિયડને કારણે કર્મચારીઓને ઘરનું ભાડું ભરવામાં કે માસિક ખર્ચ કાઢવામાં ભારે મુશ્કેલી પડતી હતી. જાેકે, નવા નિયમો મુજબ હવે કંપનીઓએ કર્મચારીના રાજીનામા કે છટણીના માત્ર ૨ વર્કિંગ ડેઝ(કામકાજના બે દિવસ)માં જ તમામ બાકી રકમની ચુકવણી કરવી પડશે.
Code on Wages,, ૨૦૧૯ હેઠળ અમલમાં આવેલા આ નવા નિયમ મુજબ, જાે કોઈ કર્મચારી સ્વેચ્છાએ નોકરી છોડે, તેને કાઢી મૂકવામાં આવે અથવા કંપની જ બંધ થઈ જાય, તો તે તમામ કિસ્સામાં કંપનીએ બે દિવસમાં જ હિસાબ પૂરો કરવો પડશે. આ સેટલમેન્ટમાં માત્ર છેલ્લા મહિનાનો પગાર જ નહીં, પરંતુ બાકી રહેલી રજાઓના પૈસા(લીવ એનકેશમેન્ટ), પરફોર્મન્સ બોનસ, ઈન્સેન્ટિવ અને ઓફિસના અન્ય ખર્ચના રિઇમ્બર્સમેન્ટનો પણ સમાવેશ થાય છે. જાેકે, જાે કોઈ ટેક્સ કપાત, એડવાન્સ સેલરી કે કંપનીના સામાનની પરત સોંપણી બાકી હોય, તો કંપની તે મુજબ કપાત કરી શકે છે.
આ સાથે જ ગ્રેચ્યુટીના નિયમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ગ્રેચ્યુટી મેળવવા માટે સતત ૫ વર્ષ સુધી નોકરી કરવી ફરજિયાત હતી, પરંતુ હવે નવા લેબર કોડ હેઠળ માત્ર ૧ વર્ષની નોકરી બાદ પણ કર્મચારી ગ્રેચ્યુટી મેળવવા માટે હકદાર બનશે. કંપનીએ આ રકમ ૩૦ દિવસની અંદર ચૂકવવાની રહેશે. સરકારના આ પગલાથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓની આર્થિક સુરક્ષામાં વધારો થશે અને તેમને પોતાના હકના પૈસા માટે મહિનાઓ સુધી કંપનીના ધક્કા ખાવા પડશે નહીં.




