
સ્કિલ્ડ વર્કર્સ માટે નવી આકરી સિક્યોર ઈંગ્લિશ લેન્ગવેજ ટેસ્ટ દાખલ કરી.હવે બ્રિટને ઈમિગ્રેશનના નિયમો આકરા બનાવતાં ભારતીયોને ફટકો.યુકે સરકારના આંકડા અનુસાર, અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકીના અનેક વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયાં પછી પણ ગ્રેજ્યુએટ લેવલની નોકરી મેળવી શકતા નથી.અમેરિકાએ ઈમિગ્રેશનના નિયમો આકરાં બનાવ્યાં બાદ હવે યુનાઈટેડ કિંગડમ (યુકે)એ પણ આ દિશામાં કડક ધોરણો લાગુ કરવાની શરૂઆત કરી છે. યુકે આવતાં ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવાના હેતુથી સરકારે મંગળારે, ભારત સહિતના દેશોના વિઝા અરજદારો માટે નવી વધુ મુશ્કેલ ઈંગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટ દાખલ કરી છે. તમામ સ્કીલ્ડ વર્કર્સ માટે આગામી ૮ જાન્યુઆરી, ૨૦૨૬થી અમલી બનનારી આ નવી સિક્યોર ઈંગ્લિશ લેન્ગ્વેજ ટેસ્ટ, બ્રિટનના ગૃહ મંત્રાલય દ્વારા માન્ય પરીક્ષકો દ્વારા આયોજીત કરાશે. જેના પરિણામોની ચકાસણી ત્યારબાદની વિઝા અરજી પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવશે.અરજદારનું અંગ્રેજી ભાષાનું સ્પીકિંગ, લિસનિંગ, રીડિંગ તથા રાઈટિંગનું સ્તર એ-લેવલ અથવા ક્લાસ-૧૨ના સ્તરનું જેનો લેવલ-બી૨ તરીકે ઉલ્લેખ કરાયો છે તેટલું હોવું જાેઈએ. આ સ્તરના અંગ્રેજી ભાષાના જ્ઞાનને પગલે અરજદાર યુકેની જીવનશૈલીમાં સરળતાથી ભળી શકશે તેમ ગૃહ મંત્રાલયનું માનવું છે. આ અંગે માહિતી આપતાં યુકેના ગૃહમંત્રી શબાના મેહમૂદે જણાવ્યું હતું કે, બ્રિટને હંમેશા દેશના ઉત્થાનમાં યોગદાન આપવા ઈચ્છતા લોકોને આવકાર્યા છે. પરંતુ અંગ્રેજી ભાષાની જાણકારી વગર આવતાં તથા દેશની વૃદ્ધિમાં કોઈ ફાળો આપવા અસમર્થ લોકોનું આગમન બિલકુલ સ્વીકાર્ય નથી. જાે તમારે આ દેશમાં આવવું હોય તો તમારે અમારી ભાષા શીખવી જ પડશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.યુકેની સંસદના નીચલા ગૃહમાં તાજેતરમાં રજૂ કરાયેલાં આ પગલાં, વિઝાના નિયમો કડક બનાવવાના બ્રિટિશ સરકારના ઈમિગ્રેશન વ્હાઈટ પેપરનો ભાગ છે. વિઝાના નિયમોમાં કરાયેલાં અન્ય સુધારાઓમાં, ભારતીય વિદ્યાર્થીઓમાં લોકપ્રિય એવા ગ્રેજ્યુએટ રૂટ વિઝા અંતર્ગત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યાં બાદ સ્નાતક કક્ષાની નોકરી શોધવાનો સમય અગાઉના ૨૪ મહિનાથી ઘટાડીને ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી ૧૮ મહિના કરી દેવાશે. જાેકે પીએચડી સ્તરના સ્નાતકોને આ માટે ત્રણ વર્ષ સુધીની મંજૂરી અપાશે.યુકે સરકારના આંકડા અનુસાર, અનેક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પૈકીના અનેક વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થયાં પછી પણ ગ્રેજ્યુએટ લેવલની નોકરી મેળવી શકતા નથી. આ ઉપરાંત ૨૦૨૫-૨૦૨૬ના શૈક્ષણિક વર્ષથી સ્ટુડન્ટ વિઝા માટેની નાણાકીય જરૂરિયાતો પણ વધારી દેવાઈ છે. હવે વિદેશી વિદ્યાર્થીઓએ પુરવાર કરવું પડશે કે તેમની પાસે તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે પૂરતા નાણાં છે. હાલમાં લંડનમાં અભ્યાસ કરતાં વિદેશી વિદ્યાર્થીઓએ માસિક ૧,૪૮૬ પાઉન્ડ્સનું ફંડ મેઈન્ટેઈન કરવું પડે છે, જે વધીને ૧,૫૨૯ પાઉન્ડ થઈ જશે. જ્યારે યુકેના અન્ય ભાગમાં રહેતાં વિદેશી વિદ્યાર્થીઓએ હાલ ૧,૧૩૬ પાઉન્ડનું માસિક ફંડ મેઈન્ટેઈન કરવું પડે છે, જે વધીને ૧,૧૭૧ પાઉન્ડ થઈ જશે.
