
૧.૧૧ કરોડની છેતરપિંડીનો પર્દાફાશ સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો ૧.૧૧ કરોડથી વધુની ઠગાઈના મુખ્ય સૂત્રધાર મહમ્મદ નારી યાસીન અબ્દુલ રહીમ શેખને મુંબઈથી ઝડપી પાડ્યો સુરત સાઇબર ક્રાઈમ સેલે કરોડોની ઠગાઈના મુખ્ય સૂત્રધાર મહમ્મદ નારી યાસીન અબ્દુલ રહીમ શેખને મુંબઈથી ઝડપી પાડ્યો છે. આ આરોપી પાંચ માસથી ફરાર હતો, જે ૨૯.૬ લાખની છેતરપિંડી સહિત અનેક કૌભાંડોમાં સંડોવાયેલો હતો. તેની ધરપકડ બાદ, કુલ રૂ.૧ કરોડ ૧૧ લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ થયો છે. આરોપીએ વર્ષ ૨૦૨૩ માં રૂ.૮૦,૦૦૦ ના ભાડેથી એક કંપની મેળવી હતી. આ કંપનીનો ઉપયોગ કરીને, તે ભારતીય નાગરિકોને ઊંચા વળતરની લાલચ આપીને ઠગતો હતો. ઠગાઈ કરાયેલા નાણાંને ટ્રાન્સફર કરવા માટે, આરોપી કમિશન પર બેંક ખાતા મેળવતો હતો અને વિવિધ પેઢીઓના નામે નકલી ખાતા ખોલાવતો હતો. નેશનલ સાઇબર ક્રાઈમ પોર્ટલ પર દેશના અન્ય રાજ્યોમાંથી કુલ નવ ફરિયાદો નોંધાઈ છે, જે આ જ બેંક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા સંબંધિત છે.
આ કેસમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, અને હવે મુખ્ય આરોપી મહમ્મદ નારી યાસીન અબ્દુલ રહીમ શેખની ધરપકડથી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાઇબર ક્રાઈમ સેલ હાલ સુરતના અન્ય કોઈ ભોગ બનનાર છે કે કેમ અને આરોપીઓ અન્ય કોઈ ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ કરી રહ્યું છે.




