
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત મહાનગરપાલિકામાં મહાનગરપાલિકાના અધિકારીઓના અણધડ વહીવટને કારણે સુરત શહેર રોગચાળાની ભીતિ સેવી રહેલ છે. તા.૦૬/૦૭/૨૦૨૬ અને ૦૭/૦૭/૨૦૨૬ ના રોજ પડેલ ભારે વરસાદને કારણે સુરત શહેરનો કોઈ વિસ્તાર પાણી ભરાવાથી બાકી રહેલ નથી અને બે દિવસના સતત વરસાદના કારણે પાણી ભરાઈ રહેવાથી કાદવ કીચડ જામી ગયેલ તેમજ સમયસર સફાઈ કામગીરી નહીં થતાં શહેર માટે વિકટ સમસ્યા ઊભી થયેલ છે. અને સુરત મહાનગરપાલિકાએ પ્રથમવાર બહારથી કર્મચારીઓને બોલાવવાની ફરજ પડેલ છે. સુરત મહાનગરપાલિકામાં ૭૦૦૦ જેટલા સફાઈ કામદાર, બેલદારોની જગ્યા ખાલી છે. એ જગ્યાઓ સમયસર ભરવામાં આવી હોત તો સુરત મહાનગરપાલિકાએ બહારથી કર્મચારીઓને બોલાવવાની નોબત ના આવત.
સુરત મહાનગરપાલિકા ના નિષ્ફળ ડેપ્યુટી કમિશનરો મહાનગરપાલિકા અને સરકારને વ્હાલા થવા માટે આણે નાણા બચાવવા માટે કર્મચારીઓનો શારીરિક શોષણ કરી રહેલ છે. હાલના સુરત શહેરમાં છવાયેલ કાદવ કીચડ સાફ- સૂફ કરવા માટે કર્મચારીઓને રાત્રિના ૧૦ વાગ્યા સુધી કામગીરી કરાવવામાં આવે છે. ત્યારે લિંબાયત,ડીંડોલી,પાંડેસરા જેવા વિસ્તારોમાં કર્મચારીઓ પાસે રાત્રિમાં કામગીરી લેવામાં આવે છે. સુરત શહેરના સફાઈ કામગીરીમાં પહોંચી વળવા ૭૦૦૦ જેટલી ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા અને ત્યાં સુધી રોજિંદા કામદારો રોકવા સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળના પ્રમુખ ભાઈલાલ બી. વૈષ્ણવ, ઉપપ્રમુખ કિરીટસિંહ વાઘેલા, મહામંત્રી મહંમદ ઈકબાલ શેખ, મંત્રી હરીશ રાઠોડ તેમજ જયંતિ વાઘેલા ,શશીકાંત સોલંકી, વિજય શેણમારે વિગેરે માંગણી કરેલ છે. તેમજ કર્મચારીઓને નિયમિત ફરજ બજાવવા વિનંતી કરી છે.




