
માત્ર ૯% વ્યાજે મળશે ૫ લાખ સુધીની ફ્લડ લોન સુરત પૂર પીડિતો માટે વરાછા બેંકે કરેલી મોટી જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજનાનું લોકાર્પણ
સુરતમાં તાજેતરમાં ભારે વરસાદ અને ખાડીપૂરના કારણે ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે સ્થાનિક ઉદ્યોગો, વેપારીઓ અને રોજગારને મોટું નુકસાન પહોંચ્યું છે. આ આપત્તિના સમયે સુરતવાસીઓને બેઠી કરવા માટે વરાછા કો-ઓપરેટિવ બેંક દ્વારા એક માનવતાવાદી સંકલ્પ સાથે ફ્લડ લોન યોજના અને વિશેષ વીમા યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અસરગ્રસ્તો અને ગ્રાહકો પર આર્થિક બોજ ન પડે તે માટે બેંકે ખૂબ જ ઉદાર શરતો જાહેર કરી છે. આપત્તિના સમયે સુરક્ષિત ભવિષ્ય માટે રૂ. ૫ લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. ગ્રાહકોને મોટી રાહત આપતા વ્યાજનો દર માત્ર ૯% રાખવામાં આવ્યો છે. લોનની ભરપાઈ કરવા માટે ૬૦ મહિના (૫ વર્ષ)નો લાંબો સમયગાળો મળશે. પૂર અને પાણી ભરાવા સામે રક્ષણ આપતી વિશેષ વીમા સેવાનો લાભ ગ્રાહકો હવે બેંકની શાખાઓમાંથી જ સીધો લઈ શકશે. યોજનાના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના લોકોની ખુમારીને બિરદાવતા જણાવ્યું હતું કે હું સુરતવાસીઓને સલામી આપું છું. આ વર્ષે પૂરની સમસ્યા બિલકુલ અલગ હતી, જાણે આભ ફાટ્યું હોય તેમ માત્ર ૧૫ મિનિટની અંદર ૪ થી ૫ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. આવી અતિ ગંભીર અને સંવેદનશીલ પરિસ્થિતિનો સામનો સુરતના લોકોએ પ્રશાસન સાથે ખંભેથી ખંભો મિલાવીને કર્યો છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, આવી આપત્તિમાં માત્ર વાતો કરવાથી કામ નથી ચાલતું, પરંતુ સમસ્યામાંથી બહાર કઈ રીતે નીકળવું તેના નક્કર પ્રયાસો જરૂરી છે. વરાછા બેંકે રૂ. ૫ લાખની ફ્લડ લોન શરૂ કરીને અદ્ભુત અને માનવતાભર્યું કાર્ય કર્યું છે, જેનાથી પીડિત પરિવારોની તકલીફો દૂર થશે. વરાછા બેંક હંમેશાં સેવા કાર્યોમાં નંબર વન રહી છે.
પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં છે. સુરતમાં ખાડી પૂરની સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે રૂ. ૫૦૦ કરોડ મંજૂર કર્યા છે. વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્તોને ઘરદીઠ રૂ. ૬,૮૦૦ ની તાકીદની કેશડોલ સહાય ચૂકવવાની કામગીરી હાલ ચાલુ છે. આગામી ત્રણ દિવસમાં રાજ્ય સરકાર દ્વારા સર્વેની કામગીરી પૂર્ણ કરી રિવ્યૂ લેવામાં આવશે. સુરત અને આજુબાજુના વિસ્તારોના નુકસાન બદલ મુખ્યમંત્રી દ્વારા આગામી મંગળવાર અથવા બુધવારે મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.




