
ભારતીય ન્યાય પ્રણાલિ પરથી પશ્ચિમી શિક્ષણનો પ્રભાવ ઘટાડવાની જરૂર ભારત ક્યારેય પોતાને ‘હિન્દુ રાષ્ટ્ર’ કહેતું નથી, બંધારણ સર્વાેપરી : જસ્ટિસ સિંઘ જસ્ટિસ એન. કોટિશ્વર સિંઘે ભારતીય કાયદાકીય પ્રણાલી પર પશ્ચિમી પ્રભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી ભારતના લોકશાહી માળખામાં ન્યાયતંત્ર અને બંધારણની ભૂમિકા હંમેશા પથદર્શક રહી છે. તાજેતરમાં સર્વાેચ્ચ અદાલતના એક ન્યાયાધીશે રાષ્ટ્રની ધાર્મિક ઓળખ અને બંધારણીય આદર્શાે પર પ્રકાશ પાડીને એક નવી ચર્ચા છેડી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન. કોટિશ્વર સિંઘે ‘હિન્દુ રાષ્ટ્ર’ના મુદ્દે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ ક્યારેય આ દેશને ધાર્મિક દેશ હોવાની પરવાનગી આપતું નથી.ભોપાલ સ્થિત નેશનલ લો ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, ઐતિહાસિક રીતે ‘હિન્દુ’ શબ્દનો ઉપયોગ સિંધુ નદીને પેલે પાર રહેતા લોકો માટે થતો આવ્યો છે. ભારત એવો વિશિષ્ટ દેશ છે જે તમામ ધર્માેને માન્યતા આપે છે, પરંતુ તે ક્યારેય પોતાને હિન્દુ રાષ્ટ્ર તરીકે ઓળખાવતું નથી.વિદેશીઓ સિંધુ કિનારે વસતા લોકો માટે આ શબ્દ વાપરતા હતા, તેથી ધાર્મિક દૃષ્ટિકોણથી આ સવાલનો કોઈ ખાસ અર્થ રહેતો નથી. તેમણે બંધારણને સર્જનાત્મક અને સામાજિક દસ્તાવેજ ગણાવ્યો, જેણે ભારતની આઝાદીના આદર્શાે નક્કી કર્યા છે.જસ્ટિસ એન. કોટિશ્વર સિંઘે ભારતીય કાયદાકીય પ્રણાલી પર પશ્ચિમી પ્રભાવ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્વીકાર્યું કે આધુનિક સંસ્થાઓના નિર્માણમાં પશ્ચિમી શિક્ષણનો ફાળો છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે ભારત પોતાની સામાજિક વાસ્તવિકતાઓ મુજબ કાયદાકીય માળખું વિકસાવે. પશ્ચિમી શિક્ષણ કદાચ ભારતના ગ્રામીણ સ્તરના તમામ પ્રશ્નો ઉકેલવા સક્ષમ નથી. કાયદાકીય સંસ્થાઓ અને સામાન્ય લોકો વચ્ચે ભાષા તેમજ જટિલ કાયદાકીય શબ્દોને કારણે અંતર વધી રહ્યું છે.



