
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
નાસિક,મહારાષ્ટના ભોંદુંરામ અશોક ખેરાતનો જાણીતો કિસ્સો છે. જેણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પરિવારની પૂજા-વિધિ કરાવતો ફોટો વાયરલ કરી IPS અધિકારીઓથી લઈ ભલભલાને આંજી નાંખી કરોડોની મિલકતો બનાવી હતી. એવું જ કંઈક હાલમાં પણ જોવા મળી રહ્યું છે. આજે સામાન્ય કાર્યકર પછી એ કોઈપણ પાર્ટીનો કેમ ના હોય? અને જે તે પાર્ટી જ્યારે સત્તા ઉપર આવે છે ત્યારે ચૂંટાયેલા નેતાઓ કે મંત્રીઓ હોય કે રાજકીય વગ ધરાવતો પાર્ટીનો ઉચ્ચ કક્ષાનો નેતા હોય એનો જન્મદિન હોય કે અન્ય કોઈના લગ્ન પ્રસંગે કે કોઈ સામાજિક સંસ્થાના કાર્યક્રમમાં કે દિવાળી પ્રસંગે ,નવાવર્ષની શુભકામના આપવા ઉપસ્થિત રહેતા મંત્રીઓ અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સાથે ઘણા લોકો ફોટા પડાવી ને એક પ્રકારનો માનસિક આનંદ અનુભવતા હોય છે.
ત્યારે જેમની સાથે જે લોકો ફોટા પડાવે છે એ કોણ હોય છે? એ અંગેની કોઈ જાણકારી નેતાઓને કે પોલીસ અધિકારીને કે જન્મદિનની શુભેચ્છા મેળવનારા નેતાઓને હોતી નથી. કારણકે જે લોકો નેતાઓ કે પોલીસ અધિકારીઓ સાથે ફોટા પડાવે છે એ લીસ્ટેડ બુટલેગર પણ હોય પછી મર્ડર કે બળાત્કારનો આરોપી પણ હોય અને અનેક નાના-મોટા ગુન્હાનો આરોપી પણ હોઈ શકે એની કોઈ જાણકારી નેતાઓને કે પોલીસ અધિકારીઓને હોતી નથી.
આ બધી બાબતોથી અજાણ રહેતા નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે ફોટા પડાવનારાઓ પછીથી એ ફોટા મોબાઇલમાં ફરતા કરે છે. વોટસએપ ડીપીમાં મૂકે છે અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકી પોતાના વિસ્તારમાં કે પોતાના ગ્રુપોમાં ફરતા કરીને વટ મારવા સાથે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવા ફોટાનો દુરુપયોગ કરતા હોય છે.
આવા સમયે નેતા, મંત્રી કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે જે કોઈ વ્યક્તિ કે કાર્યકર મુલાકાત કરવા આવતા હોય ત્યારે એનો મોબાઇલ સદંતર બંધ કરાવીને ઓફિસની બહાર જાહેર સૂચના લેખિતમાં મુકાવી જોઈએ કે મુલાકાત લેનાર કોઈપણ વ્યક્તિએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરીને પછી જ અંદર ઓફિસમાં કે સ્ટેજ ઉપર આવવા દેવો જોઈએ. જેથી કરી ફોટાઓનો દુરુપયોગ થતો અટકે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવનારનો આ રોગ બંધ થાય. કારણ કે ઘણા કાર્યકરો ખીસ્સામાં મોબાઈલ ચાલુ રાખી રેકોર્ડિંગ કરી પછી એ રેકોર્ડિંગ જે તે વ્યક્તિને સંભળાવી નેતા કે અધિકારી સાથે અમારે રૂબરૂ વાતચીત થઈ છે એમ કહીને પણ સામેવાળા પાસેથી ગરજ નો લાભ લઈને પોતાનો ઉલ્લુ સીધો કરતા હોવાથી પણ આવા ફોટોજીવીઓ પર લગામ કસવી જરૂરી છે.
આ સાથે દેશના ગૃહમંત્રી હોય કે જે તે રાજ્યોના ગૃહમંત્રીઓની સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોતાની ગરિમા જળવાય એવા પ્રોગ્રામોમાં જ હાજરી આપવી જોઈએ. જેથી એમના હોદ્દાની ગરિમા જળવાઈ રહે અને એમનો ખોફ અને ડર જળવાઈ રહે જેથી નાના-મોટા કાર્યકરો જે એમની પોતાની સાથે આવેલા કાર્યકરોની ટોળકીને કારણે બદનામીના બટ્ટાથી દૂર રહે એ સાથે ઉચ્ચ અધિકારીની બદલી થાય કે અન્ય જગ્યાએથી બદલી થઈને આવે ત્યારે જ સ્વાગત કરી ફોટો સેશન કરવામાં આવે છે. એ પણ અતિશ્યોક્તિ ભર્યું બની રહ્યું છે. જેનાથી અધિકારીઓની પ્રતિષ્ઠા ઉપર પ્રશ્નો ઊભા થાય છે. એટલું જ નહીં જ્યારે પહેલાના સમયના અધિકારીઓ આવી
પ્રસિધ્ધિથી દૂર રહી ફરજ બજાવતા હતા એથી એમનો પ્રભાવ અને ગુન્હેગારો ઉપર એમનો ડર અને ખોફ રહેતો હતો જે આજની તારીખમાં તદ્દન મટી ગયો છે. જેનાથી સમાજમાં પોલીસ પ્રત્યેની માનસિકતા પણ બદલાતા પ્રજાનો વિશ્વાસ પણ ડગમગી જતાં પ્રજા
હવે કંટાળી પોલીસ સ્ટેશનોમાં જતાં પણ ગભરાય છે. ત્યારે આ બાબતે મંત્રીઓ અને પોલીસ અધિકારીઓએ પ્રજાના હિતમાં પણ આ બાબતે ગંભીરતા પૂર્વક વિચારવું જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે જે કાર્યકરો મોંઘી ભેટ આપવા માંગતા હોય એમની ભેટો લેતા પહેલા પણ વિચાર કરવો જોઈએ. જેથી બુટલેગરો કે અન્ય ગુનામાં સામેલ વ્યક્તિઓ ધ્વારા અપાતી ભેટો સ્વીકારીને પોલીસ અધિકારીઓ કે મંત્રીઓએ હાંસીને પાત્ર બનતા દૂર રહેવું જોઈએ.



