
૧૦ કિ.મી. દૂરથી ધૂમાડો દેખાયો લખનઉમાં ૧૦૦થી વધુ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ૧૦૦૦થી વધુ ઝૂંપડા રાખ વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગ્યા બાદ એક પછી એક ૧૦૦થી વધુ સિલિન્ડર ફાટતા શહેર ધણધણી ઉઠ્યું ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસ નગર વિસ્તારમાં બુધવારે સાંજે કાળજું કંપાવી દે તેવી ઘટના બની હતી. અહીં આવેલી એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગ્યા બાદ એક પછી એક ૧૦૦થી વધુ રાંધણ ગેસના સિલિન્ડર ફાટતા આખું શહેર ધણધણી ઉઠ્યું હતું. આગ એટલી વિકરાળ હતી કે તેનું ધુમાડાનું વાદળ ૧૦ કિલોમીટર દૂરથી પણ જાેઈ શકાતું હતું.
સીતાપુર બાયપાસ પાસે આવેલી આ ઝૂંપડપટ્ટીમાં બુધવારે સાંજે આશરે ૪ વાગ્યે અચાનક એક ચિંગારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
જાેતજાેતામાં આગે આખી વસાહતને લપેટમાં લઈ લીધી હતી. ઝૂંપડાઓમાં રાખેલા સિલિન્ડરોમાં ધડાકા થવાનું શરૂ થતા આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ દહેશત ફેલાઈ ગઈ હતી. લપેટો ૩૦ ફૂટ ઊંચે સુધી ઉછળતી જાેઈ લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા.
ફાયર બ્રિગેડની ટીમો માટે આ કામગીરી અત્યંત જાેખમી હતી. એકતરફ ભીષણ આગ ઠારવાની હતી અને બીજી તરફ સતત થઈ રહેલા સિલિન્ડર બ્લાસ્ટથી બચવાનું હતું. ફાયરકર્મીઓએ જીવના જાેખમે આગને પાકા મકાનો સુધી પહોંચતી અટકાવી હતી. આશરે ૮ કલાકની સતત જહેમત બાદ મોડી રાત્રે આગ પર કાબૂ મેળવી શકાયો હતો.
રાહતની વાત એ રહી કે કોઈ માનવ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આશરે ૧૦૦૦થી વધુ ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા છે. સેંકડો પરિવારો રસ્તા પર આવી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગમાં મરઘાં, બકરીઓ અને કૂતરા સહિત આશરે ૫૦ જેટલા અબોલ પશુઓ જીવતા ભુંજાઈ ગયા છે.
પોતાના સ્વજનો અને બાળકોને શોધવા માટે વ્યાકુળ થયેલા લોકો જ્યારે આગની અંદર જવાની જીદ કરવા લાગ્યા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન ભીડ ઉશ્કેરાઈ હતી અને પોલીસ તેમજ સિવિલ ડિફેન્સના કર્મચારીઓ પર પથરાવ કર્યો હતો. આ અથડામણમાં ૮થી ૧૦ લોકોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત તૈનાત છે અને તપાસ ચાલી રહી છે.




