
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારત ભરમાં હવે ચાલી રહ્યો છે. અસલીના નામે નકલીનો વેપાર અને આ કોઈ સામાન્ય ચીજ નથી. પરંતુ જનતાના આરોગ્યને નિરોગી રાખવાને બદલે રોગી બનાવી હોસ્પિટલ સુધી પહોંચાડવાનું એક સુનિયોજીત ષડયંત્ર અને એ છે નકલી ખાધ્ય પદાર્થોમાં અસલી માલનું એસેન્સ નાંખી અસલ જેવો સ્વાદ લાગે એવો માલ ડબ્બા કે પોલીથીલીન બેગમાં અસલી પેકિંગ જેવો લોગો, એજ માર્કો એ જ કલરની શાહી વાપરી પેક કરી બજારમાં ઘૂસડાતો નકલી માલ. આ નકલી માલની વાત કરીએ તો હાલમાં થોડા દિવસ પહેલા મથુરાની બોર્ડર ઉપર પાણી ભરેલા બે થી ત્રણ ટેન્કરોમાં ઉપરથી યુરિયા ખાતર અને ચોક્કસ માપનું કેમિકલ નાંખી અસલ દૂધ જેવુ જ દૂધ બનાવતા લોકોનેસરકારી તંત્રે રંગે હાથ પકડી જેલ ભેગા કર્યા હતા. 
આ તો વાત થઈ દેશની પરંતુ આપણે જો માત્ર ને માત્ર સુરતની જ વાત કરીએ તો સુરત હવે નકલી ખાધ્ય પદાર્થોનું હબ બની રહ્યું હોય તેમ લાગે છે. કારણકે સચિન GIDC વિસ્તારમાં એક એવી ફેક્ટરી પર SOG (સ્પેશ્યલ ઓપેશન ગ્રુપ) એ દરોડો પાડયો છે. જે જાણીને કોઈપણ સામાન્ય નાગરિકોના હોંશ ઊડી જાય. “સબકા ફૂડસ” ના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી માત્ર ૧ કિલો શુધ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી ૧૫ કિલો નકલી “વિદુર ઘી” તૈયાર કરવામાં આવતું હતું.
આ તો વાત થઈ અસલીના નામે નકલી ઘી ની પણ નકલી પનીર, નકલી દૂધ પણ હજારો કિલોમાં વેચાયાના સમાચારો ચમક્યા છે. ત્યારે અહી વાત થાય છે કે આટલું બધુ નકલી ખાધ્ય પદાર્થોનું નેટવર્ક સુરત સહિત રાજયભર માં ફેલાયેલું હોય ત્યારે રાજયના આરોગ્ય મંત્રી, રાજયના આરોગ્ય અધિકારીઓ સહિત જેમની આ ખાધ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવાનું કામ છે. એ સરકારી તંત્ર કરે છે શું? કેમ મૌની બાબા બની આંખ આડા કાન કરી આ કાળા કારોબાર પ્રત્યે ઉદાશીનતા દાખવે છે? કે પછી એમને હપ્તાનું ગ્રહણ લાગ્યું છે? એ વિચારવાનો સવાલ છે. સમગ્ર નકલીના નેટવર્ક પાછળ અત્યંત શાતિર દિમાગવાળો જ ખેલાડી હોય જે પડદા પાછળ રહી આ નવા
નિશાળીયાઓ ને સંપૂર્ણ ગાઇડ લાઈન આપતો હોય કારણ એ શાતિર દિમાગવાળો ભૂતકાળમાં નકલી ના ખેલમાં જેલ જઈ આવેલો હોય અને જામીન મુક્ત થયેલો હોય પણ પોલીસ ચોપડે ચઢેલો હોવાથી આવા ખેલ પડદા પાછળ રહીને જ કરતા હોવાથી આ નકલીનો વેપલો ધમધમી રહ્યો છે.
આમ ગ્રાહકોને છેતરવા માટે ડબ્બા પર આકર્ષક સ્ટીકરો અને માર્કેટિંગ ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ટ્રીક્સમાં જાણીતી ડેરીઓ જેવી કે સુમુલ, અમુલ, મધુરમ વિગેરે એના જેવા જ પેકિંગ, લોગો, પ્રાઇઝ વિગેરે પ્રજા છેતરાઈ જાય એવા અસલ કંપનીના ડબ્બા ઓ કે અસલ પોલીથીલીન પાઉચમાં પેક કરી જાણીતી ડેરીઓના સેલ્સમેનો ની સાંઠ ગાંઠમાં અને આવા સેલ્સમેનોને ઊંચું કમીશન આપી જાણીતા સ્ટોરમાં અસલીના નામે નકલી માલ ઓછા ભાવે પધરાવી અસલી માલના વેચાણને પણ નુકશાન કરાવતા આ તત્વો પાછા પડતા નહીં. આવો માલ લેતા દક્ષિણ ગુજરાતના અનેક વેપારીઓ આ નેટવર્ક સાથે સીધા સંપર્કમાં હતા અને વર્ષોથી જનતાને ઝેર પીરસતા હતા. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શહેરના જે શ્રમિક વિસ્તારો છે જ્યાં મજૂર વસ્તી રહેતી હોય છે અને એ આમ પણ ગીચ હોવાથી કેટલાય લોકો સાજા, માંદા રહેતા હોય એ શરીરને નિરોગી રાખવા દુકાનદાર પર વિશ્વાસ મુકી આ નકલી માલ અસલી સમજીને મોંઘા ભાવે લાવે છે. ત્યારે એ બિચારો અજાણતા તો રોગને જ આમંત્રણ આપે છે. એ જ રીતે બિચારી કોઈ સુવાવડ વાળી બાઈ શરીરને શક્તિ મળે અને એને પૌષ્ટિક આહાર સમજી આ નકલી ઘી કે નકલી પનીરનો ઉપયોગ કરે છે ત્યારે એ સાજી થવાને બદલે વધારે બીમાર પડતી હોય છે. કારણ કે હવે આધુનિક મશીનરીઓને કારણે ગ્રાહકો પેકિંગમાં પણ છેતરાઈ જતા હોય છે. પાછી જોવાની ખૂબી એ છે કે જાણીતી ડેરીઓ જેવું જ અસલ ડેરી જેવું જ પેકિંગ જોતાં કોઈપણ વેપારી એને ઓળખવામાં માર ખાઈ જાય એવું પેકિંગ કરેલો માલ જાણીતા એજન્ટો દ્વારા બજારમાં ઘુસાડી જાણીતી ડેરીઓને આર્થિક નુકસાન પહોંચાડાઈ રહ્યું છે.
ભૂતકાળમાં પણ જાણીતી ડેરીઓના એક કિલો, બે કિલોના ડબ્બાઓના પેકિંગ કરી નકલી ઘી ઘૂસડાયાઓના દાખલા મૌજુદ છે. ત્યારે હાલમાં જ સચિન જીઆઇડીસી માંથી પકડાયેલી નકલી ઘી ની ફેક્ટરીની આવક જ માત્ર મહિને ₹૧૫ થી ૨૦ લાખની થતી હતી. ત્યારે વિચાર કરો કે આવું દેશદ્રોહી કૃત્ય કરનારા તત્વો જે પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી પ્રજાને મોતના મુખમાં ધકેલી રહ્યા હોય એમ કસાઈને પણ સારો કહેવડાવે એવું અધમ કૃત્ય કરનારાઓને કોઈનો ડર કેમ નથી લાગતો?
આતો થઈ પ્રજાના આરોગ્યની વાત પણ આવા તત્વોએ ભગવાનને પણ નથી છોડયા એ માનવીને શું છોડે? અને આ કાળા કારોબાર કરનારાઓમાં આટલી હિંમત કેમ આવે છે? એનું કારણ કે જે સરકારી તંત્રે આ જોવાનું છે એ આરોગ્ય ખાતું, પોલીસ ખાતું અને જવાબદાર મંત્રીઓ સુધી જે લેતીદેતી નું રાજકારણ ચાલે છે એના પ્રતાપે આવા નકલી ના ખેલ શહેર તો શું રાજય સહિત દેશભરમાં ચાલી રહ્યા છે. રાજયના આરોગ્યમંત્રી સુરત શહેરના છે અને તેઓની આંખ નીચે જ નકલી ખાધ્ય પદાર્થોનો વેપલો ચાલતો હોય ત્યારે દોષ કોને દેવો? સુરત મ.ન.પા જવાબદાર અધિકારીઓની કમી સુરત મ.ન.પા મા જે કારણોસર ડે.કમિશ્નર હેલ્થ એન્ડ હોસ્પિટલની જગ્યા મંજૂર કરવામાં આવી છે તે જગ્યા શહેરના જાહેર જનતાના આરોગ્ય માટે જરૂરી હોય તેવી જગ્યા એક વર્ષ ઉપરાંતથી ખાલી છે તે જગ્યા ભરવામા પણ તંત્ર નિષ્ફળ ગયું છે. ત્યારે નકલી ખાધ્ય પદાર્થો વેચી લોકો માલામાલ થઈ રહ્યા છે. ત્યારે આવા તત્વોને ચીન કે સાઉદી જેવા દેશોની માફક તાત્કાલિક એવી કડક સજા કરવી જોઈએ કે નકલીનો “ન” બોલવાનું પણ ભૂલી જાય પણ એની પહેલ કરે કોણ?



