
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે પોલીસ સક્રિય બની.સુરતમાંથી ત્રણ લાખથી વધુનું શંકાસ્પદ પનીર ઝડપાઈ ગયું.આ પનીર તે પ્રતિ કિલો રૂ. ૨૨૦ના ભાવે સુરત શહેરની વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો હતો.શહેરમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે પોલીસ સક્રિય બની છે. સુરત શહેર SOG પોલીસે પાંડેસરા વિસ્તારમાં રેડ કરીને શંકાસ્પદ રીતે પનીર બનાવતું એક કારખાનું પકડી પાડ્યું છે. આ કાર્યવાહીમાં અંદાજે ૨૯.૪૪ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના બાદ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને SOG પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે SOG ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગ સાથે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. ટીમે પાંડેસરા વિસ્તારમાં ભીડભંજન સોસાયટી ખાતે ગાળા નંબર ૨૭૮માં ચાલતા કારખાનામાં રેડ કરી હતી. દરોડા દરમિયાન કારખાનાના સંચાલક અને માલિક મહેશકુમાર પૂર્ણાશંકર શર્મા સ્થળ પર જ હાજર મળી આવ્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, મહેશકુમાર હાલ અલથાણ વિસ્તારમાં કેશવ હાઇટ્સમાં રહે છે અને મૂળ રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ચંદેસરા ગામ નાવલીના રહેવાસી છે. કારખાનાની તપાસ દરમિયાન ટીમને નોન-બ્રાન્ડેડ હાલતમાં રાખેલું ૧૪૦૧ કિલો લૂઝ પનીર મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત લગભગ ૩,૦૮,૨૨૦ રૂપિયા થાય છે. આ ઉપરાંત કારખાનામાંથી પનીર બનાવવાની મશીનરી પણ મળી આવી હતી, જેમાં પેશ્ચરાઇઝ મશીન, હોમોનાઈઝર, વેન્યુરી મશીન, સ્ટોરેજ સાધનો અને વજન કાંટા સહિતની મશીનરીનો સમાવેશ થાય છે. આ મશીનરીની કિંમત અંદાજે ૨૫ લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે.
રેડ દરમિયાન પોલીસે પ્લાસ્ટિકની પેકિંગ થેલીઓના ૧૦૦૦ નંગ, “NON BRAND LOOSE ANALOGUE PANEER” લખેલા ૩૦૦૦.સ્ટીકર, ૧૦ લિટર એસિડિક એસિડનું કેન, પામોલિન તેલના ૨૮ ખાલી ડબ્બા તેમજ ૧૫ કિલોના ૧૬ ભરેલા ડબ્બા પણ જપ્ત કર્યા હતા. આ તમામ મુદ્દામાલ મળીને અંદાજે ૨૮,૪૪,૧૭૦ રૂપિયાનો જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપી મહેશકુમાર શર્માએ કબૂલ્યું કે તે પનીર બનાવી પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરીને તેના પર એનલોગ પનીરના સ્ટીકર લગાવી વેચાણ કરતો હતો. આ પનીર તે પ્રતિ કિલો રૂ. ૨૨૦ના ભાવે સુરત શહેરની વિવિધ ડેરીઓમાં જથ્થાબંધ અને છૂટક વેચાણ કરતો હતો. પોલીસે જણાવ્યું કે, આરોપી છેલ્લા બે વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવતો હતો અને દરરોજ અંદાજે ૪૦૦ કિલો પનીર બનાવી બજારમાં વેચતો હતો. કારખાનામાંથી મળેલા પનીરના નમૂનાઓ ફૂડ સેફટી ઓફિસર દ્વારા સીલ કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીનો અહેવાલ મળ્યા બાદ આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર મામલે ર્જીંય્ના ડીસીપી રાજદીપસિંહ નકુમએ જણાવ્યું કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી ચાલુ રહેશે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. એનાલોગ પનીર એ વનસ્પતિ તેલ (જેમ કે પામ ઓઈલ), સ્ટાર્ચ અને મિલ્ક સોલિડ્સમાંથી બનાવેલ નકલી કે બનાવટી પનીર છે. જે અસલી દૂધના પનીર જેવું જ દેખાય છે. તે સસ્તું હોવાથી હોટેલ-રેસ્ટોરન્ટમાં વપરાય છે. નિયમ મુજબ, તેને મેનુમાં એનાલોગ પનીર તરીકે દર્શાવવું ફરજિયાત છે, અન્યથા તે છેતરપિંડી ગણાય છે. અસલી પનીર નરમ હોય છે, જ્યારે એનાલોગ પનીર રબર જેવું ખેંચાય તેવું હોય છે. જેને દબાવવાથી પાછું મૂળ આકારમાં આવી જાય તેવું હોય છે




